હું ૩૪ વર્ષની બે બાળકોની માતા છું, હમણાં બે-ત્રણ મહિનાથી માસિકસ્ત્રાવ નિયમિત નથી આવતો. ગયા વખતે માસિક વધુ આવ્યું અને પેટમાં તથા કમરમાં સખત દુખાવો રહ્યો. ડોેક્ટરને બતાવ્યું, તો તેમણે અલ્ટ્રાસાઉન્ડ કરાવવાની સલાહ આપી. તેના રિપોર્ટ મુજબ ગર્ભાશયમાં એક ૧.૮ સેન્ટીમીટરની અને બીજી ૧.૪ સેન્ટીમીટરની વ્યાસની બે નાની રસોળીઓ છે, જે ગર્ભાશયના સ્નાયુઓ સાથે જોડાયેલી છે. ડોક્ટરનું કહેવું છે કે ઓપરેશન કરીને ગર્ભાશય કાઢી નાખવું જરૃરી છે, તો આ જ રોગથી છૂટકારો મળશે. શું ઓપરેશન કરાવ્યા વગર હું સાજી ન થઈ શકું? – એક સ્ત્રી (ભરુચ)
ગર્ભાશયની ગાંઠ કે રસોળીનો ઈલાજ બધી રીતે વિચાર કરીને જ કરવામાં આવે છે. જ્યારે ગાંઠ બહુ મોટી હોય, સ્ત્રીને પૂરતાં બાળકો થઈ ચૂક્યાં હોય અને તેને ગર્ભાશય કઢાવવામાં વાંધો ન આવતો હોય, ત્યારે ઓપરેશન દ્વારા ગાંઠ અને ગર્ભાશય કાઢી નાખવામાં આવે છે, પરંતુ ગાંઠ નાની હોય, બહુ તકલીફદાયક ન હોય, સ્ત્રીની ઉંમર નાની હોય કે તેનોે પરિવાર પૂર્ણ ન થયો હોય, તો દવાઓ પણ અજમાવી શકાય છે. તમારી ઉંમર વચ્ચેની છે અને કદાચ તમે ત્રીજું સંતાન પણ ઈચ્છતા નથી, એટલે જ તમારા ડોક્ટરે ગર્ભાશય કઢાવી નાખવાની સલાહ આપી છે.
આમ કરવામાં કોઈ માસિકસ્ત્રાવ નહીં થાય. એટલું જ, બાકી બધુ ંતો જેમ છે તેમ ચાલ્યા જ કરશે, કેમ કે આ ઓપરેશનમાં અંડાશયને કાઢવામાં આવશે નહીં અને તમે એ પણ જાણતાં જ હશો કે નારીત્વને નિખારતાં હોર્મોન અંડાશયમાં જ બને છે. ઓપરેશન પછી વૈવાહિક જીવનમાં પણ કોઈ મુશ્કેલી નથી આવતી, કેમ કે યોેનિમાર્ગ પણ પહેલાં જેવો જ રહે છે.
હું ૨૩ વર્ષની યુવતી છું, થોડા દિવસ પછી મારા લગ્ન થવાના છે. મારા ભાવિ પતિનું બ્લડગ્રૂપ ‘ઓ’ પોઝીટીવ છે. મારું બ્લડગ્રૂપ પણ ‘ઓ’ જ છે. આ કારણે કેટલાક દિવસથી હું બહુ ચિંતામાં છું. મને શંકા છે કે બ્લડગ્રૂપ એક હોવાના કારણે આગળ જતાં હું ક્યાંક મા ન બની શકું તો? આ સમસ્યાને લીધે અમે બંને બહુ પરેશાન છીએ. – એક યુવતી (ગાંધીનગર)
૦ તમે અને તમારા ભાવિ પતિ નકામી ચિંતા કરો છો. એક જ બ્લ્ડગુ્રપ હોય તો મા ન બની શકાય, આ બાબતે કાં તોે કોઈએ તમને ખોટા ભરમાવ્યાં, કાં તમારા સમજવામાં ક્યાંક ભૂલ થઈ છે. આ સ્થિતિ તો એકદમ સામાન્ય છે. હા, જ્યારે પત્નીનું બ્લડગ્રૂપ આર.એચ. નેગેટિવ અને પતિનું બ્લડગ્રૂપ આર.એચ પોઝીટીવ હોય ત્યારે મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં પણ અગાઉથી સાવચેતી રાખવામાં આવે તો, સામાન્ય રીતે જ સંતાન પ્રાપ્ત કરી શકાય છે.
હું ૧૨ વર્ષની છોકરી છું. મને રાત્રે ઓછું દેખાય છે. દિવસે વાંચતી વખતે પણ મુશ્કેલી પડે છે. અને ધૂંધળું દેખાય છે. અમારી સ્કૂલમાં આવેલા આંખોના ડોેક્ટરે કહ્યું કે વિટામીન ‘એ’ની ઊણપને લીધે આમ થાય છે. ઉપચારમાં તેમણે દૂધની સાથે વિટામીન ‘એ’ની ગોળીઓ લેવાનું કહ્યું છે, પણ એનાથી કોઈ ફરક પડયો નથી. હું બહુ પરેશાન છું. – એક કન્યા (વીસનગર)
૦ તમે આંખોના કોઈ નિષ્ણાત ડોક્ટરને મળો. આંખની તકલીફ સામાન્ય રીતે વિટામીન ‘એ’ની ઉણપથી થાય છે. એ વાત સાચી, પરંતુ આંખના નિષ્ણાત ડોક્ટર પૂરતી તપાસ પછી જ તમારી તકલીફનું કારણ અને તેનો ઈલાજ સૂચવશે.
હું ૧૯ વરસનો કુંવારો યુવક છું, મેં આજ સુધી કોઈની સાથે સંભોગ નથી કર્યો. હું છેલ્લા ચાર-પાંચ વર્ષથી હસ્તમૈથુન કરું છું, પણ મને એમાં મજા નથી આવતી. મને એવો રસ્તો બતાવો જેનાથી સંભોગ કર્યાનો આનંદ પ્રાપ્ત થાય. – એક યુવક (સૂરત)
૦ જ્યારે તમે હસ્તમૈથુન કરવાની કોશીશ કરો ત્યારે તમારી મનગમતી વ્યક્તિની કલ્પના પણ સાથે કરો. કલ્પના કરવાથી ઘણો ફરક પડી જશે. કદાચ એવું બને કે સંભોગ કરતાં પણ તમને એમાં વધારે આનંદ આવે, કારણ કે હકીકત કરતાં હકીકતની કલ્પના વધારે રંગીન હોય છે. આજના એઈડ્સના યુગમાં અજાણી સ્ત્રી જોડે સંભોગ કરતાં હસ્તમૈથુનની આદત ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ અને બિનનુકસાનકારક છે. મારા ખ્યાલથી આ તમારા માટે ઉત્તમ વિકલ્પ બની જશે.
મારા લગ્નને બે મહિના થયા છે. અમે સંભોગ કરીએ છીએ ત્યારે મારી પત્ની યોેનિમાં સતત દુખાવાની ફરિયાદ કરે છે. તેનામાં શરૃઆતથી ઉત્તેજના પણ ઓછી જોવા મળે છે. બીજું, સંભોગ પછી તે તરત જ બાથરૃમ જાય છે તો એનાથી સંતાન થવામાં તકલીફ થઈ શકે? – એક પતિ : (પેટલાદ)
તમે જે પ્રમાણેની તકલીફ વર્ણવી છે એનાથી એક વાત સાબિત થાય છે કે સંભોગ પહેલાંની ક્રિયામાં તમે યોગ્ય સમય નથી ગાળતા. સંવનનની ક્રિયામાં થોડો વધારે સમય ગાળશો તો ઉત્તેજના વધુ આવશે, કામેચ્છા પ્રબળ બનશે અને પરિણામે યોનિમાર્ગમાં ચીકાશ પણ યોગ્ય માત્રામાં પેદા થશે. શ્રેષ્ઠ એ છે કે તમે તમારી પત્નીને પૂછી જુઓ કે તને ક્યાં હાથ લગાવું તો વધુ ઉત્તેજના આવે છે કે ગમે છે.
એ પછી ત્યાં હાથ ફેરવવાથી તે ઉત્તેજિત થશે અને તેની યોનિમાં ચીકાશ પેદા થશે. આપણે ત્યાં ઘણાખરા પુરુષો પત્નીને ઉત્તેજિત કર્યા પહેલાં જ યોનિપ્રવેશ કરવાની કોશિશ કરે છે. એને લીધે યોનિમાર્ગમાં સૂકાપણુ હોવાને કારણે યોનિપ્રવેશ સમયે પત્ની દુખાવાની ફરિયાદ કરે છે. એનાથી તેની સંભોગ કરવાની ઈચ્છા ઓછી થઈ જાય છે અને પતિ એમ સમજે છે કે મારી પત્ની ઠંડી છે. હકીકતમાં પતિએ પોતાની સંભોગ કરવાની રીત સુધારવાની જરૃર છે.
સંભોગ કર્યા પછી જો તમારી પત્ની તરત જ બાથરૃમ કરવા માટે ઊભી થઈ જતી હોય તો એનાથી ગર્ભ રહેવામાં કોઈ તકલીફ નથી થતી. જેલી કે કોઈ પણ તેલવાળો પદાર્થ આંગળી પર લઈને યોનિમાર્ગની ઉપર અને અંદરના અડધા ઈંચના ભાગમાં લગાવવો. એનાથી શિશ્નના યોનિપ્રવેશમાં સરળતા પડશે અને તમારી પત્નીને દુખાવા કે બળતરાની કોઈ ફરિયાદ પણ નહીં રહે. જો કે જેલી ક્રીમ લગાવવાથી શુક્રજંતુની ગતિ મંદ થવાની શક્યતા છે એટલે તમે બાળકનો પ્લાન કરો એ સમયે એનો ઉપયોગ ન કરવો.

