એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) મુદ્દે સર્વોચ્ચ અદાલતે કડક વલણ દાખવ્યા બાદ વોડાફોન-આઈડિયાની સ્થિતિ વધુ કફોડી બની છે. વોડાફોનના બ્રિટન સ્થિત CEO નિક રીડ પછી બિરલા જૂથના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ પણ વોડાફોનની સંભવિત નાદારી અંગે નિવેદન આપ્યા પછી હવે એ પ્રશ્નો ચર્ચાસ્પદ બન્યા છે કે વોડાફોન-આઈડિયા જો નાદારી નોંધાવે તો તેનાંથી દેશના અર્થતંત્રને શું નુકસાન થાય? ટેલિકોમ ક્ષેત્રની આ દિગ્ગજ કંપની તાળા મારી દે તો તેના 30 કરોડથી વધુ યુઝર્સને શું ફરક પડે?
વોડાફોનને આફતમાં અધિક માસ
AGRના મુદ્દે ભીંસમાં આવેલી વોડાફોન કંપની શરૂઆતથી જ ભારતીય બજારમાં ખોટ કરી રહી છે. હાલ તેનું કુલ દેવુ રૂ. 120 અબજ છે. એ પૈકી 9000 કરોડ રૂપિયા ભારત સરકારને સ્પેક્ટ્રમ ફી પેટે ચૂકવવાના છે. 2500 કરોડ રૂપિયાનું વિવિધ બેન્કોનું લેણું છે. એમાં હવે સર્વોચ્ચ અદાલતના આદેશ પછી AGR પેટે રૂ. 52,000 કરોડ જેટલી રકમ ચૂકવવાની થાય છે. આ સંજોગોમાં કંપનીની નાણાંભીડ એટલી તીવ્ર બની ચૂકી છે કે તેના બ્રિટિશ સીઈઓ તેમજ આઈડિયાના ચેરમેન કુમારમંગલમ બિરલા પણ નાદારીની શક્યતા દર્શાવી ચૂક્યા છે.
2. 1 લાખથી વધુ લોકોની રોજગારી પર જોખમ
વોડાફોન-આઈડિયામાં હાલ 13,500થી વધુ કર્મચારીઓ કાર્યરત છે. કંપની ભારતમાં પોતાનો કારોબાર બંધ કરી દે એટલે આ કર્મચારીઓની નોકરી પર તો સીધી અસર પડે જ. આ ઉપરાંત પ્રાઈવેટ પાર્ટનરશીપથી ચાલતાં દેશભરના વોડાફોનના આઉટલેટ અને તેમાં સંકળાયેલા લોકોની રોજગારી પર પણ સીધી અસર પડે. આવા લોકોની સંખ્યા પણ 1 લાખથી વધુ છે.
3. દેશભરના વિકાસકાર્યોને મળતું ફન્ડ અટકી શકે
આ ઉપરાંત વોડાફોન જો નાદારી નોંધાવે તો દેશની નાણાંકીય ખાધમાં 40 પોઈન્ટનો વધારો થાય. હાલમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ચાલુ વર્ષે નાણાંકીય ખાધ 3.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. જો વોડાફોન-આઈડિયાની નાદારીથી તેમાં 40 પોઈન્ટ ઉમેરાય તો નાણાંકીય ખાધ 4.2 ટકા જેટલી થાય. જેની સીધી અસર વિકાસકાર્યો માટે આપવા ધારેલા ફન્ડ પર પડી શકે.
4. યુઝર્સને શું ફરક પડે?
હાલ દેશભરમાં આશરે 1 અબજથી વધુ મોબાઈલ ધારકો છે, જે પૈકી 30 ટકા એટલે કે 30 કરોડથી વધુ લોકો વોડાફોન-આઈડિયાના સબસ્ક્રાઈબર્સ છે. જો વોડાફોન ભારતમાં તેનો ધંધો સંકેલી લેવા ધારે તો તેણે એક મહિના અગાઉ પોતાના સબસ્ક્રાઈબર્સને નોટિસ આપવી પડે. દરમિયાન ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) પણ બે મહિનાની એડવાન્સ નોટિસ જારી કરે છે. એ સમય દરમિયાન વોડાફોનના ગ્રાહકો અન્ય સર્વિસ પ્રોવાઈડર કંપની સાથે જોડાઈ શકે છે. નંબર પોર્ટેબિલિટીની સુવિધાના કારણે સર્વિસ પ્રોવાઈડર બદલવા છતાં નંબર બદલવાની ચિંતા કરવાની રહેતી નથી.
5. વોડાફોનનું નુકસાન, ફાયદો કોનો?
સ્વાભાવિક રીતે જ, વોડાફોન-આઈડિયા ભારતમાં વિદાય લે એટલે ટેલિકોમ ક્ષેત્રે બે દિગ્ગજ કંપની રિલાયન્સ જીઓ અને એરટેલ ઉપરાંત સરકારી કંપની બીએસએનએલ મેદાનમાં રહે. હાલમાં વોડાફોન-આઈડિયામાં વોડાફોનનો હિસ્સો 45 ટકા જેટલો છે. જ્યારે ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ 12 ટકા, બિરલા ટીએમટી 1 ટકા, હિન્દાલ્કો 3 ટકા અને બિરલા જૂથની અમૂક કંપનીઓની હિસ્સેદારી છે. વોડાફોન-આઈડિયાની નાદારી પછી બિરલા જૂથ જૂનું દેવુ ચૂકવ્યા વગર આઈડિયા કંપની મારફત બિઝનેસ કરી શકે નહિ. આથી તેણે જો ટેલિકોમ સેક્ટરમાં ટકવું હોય તો નવા મૂડીરોકાણ સાથે નવી કંપની રચવી પડે. અથવા વોડાફોન-આઈડિયાના કસ્ટમર એરટેલ અને જીઓ વચ્ચે વહેંચાઈ જાય. આમ એ બે કંપનીઓને સીધો ફાયદો થઈ શકે.

