ત્રણ દાયકા પહેલાં વિસ્થાપિત થયેલા પંડિત પરિવારોને કશ્મીર ખીણ વિસ્તારમાં નવેસર વસાવવા એ અમારી અગ્રતા છે એમ કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું.
તેમણે કહ્યું કે ખીણ વિસ્તારમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવશે જેથી નવેસર વસાવાયેલા પંડિત પરિવારો પર કોઇ પ્રકારનું જોખમ ન સર્જાય. અમિત શાહના નિવાસસ્થાને આવેલા સાત સભ્યોના પંડિત પ્રતિનિધિ મંડળને આપેલી મુલાકાત દરમિયન અમિત શાહે એમને પૂરતી સરકારી મદદની પણ ખાતરી આપી હતી.
અત્રે એ યાદ રહે કે 1980ના દાયકાની આખરે કશ્મીર ખીણ વિસ્તારમાં ઇસ્લામી આતંકવાદીઓએ સૈકાઓથી આ વિસ્તારમાં વસેલા પંડિત પરિવારોને જોરજુલમથી કાઢ્યા હતા.
આશરે ત્રણ લાખ પંડિત પરિવારો પહેર્યાં કપડે પોતાના જ દેશમાં નિરાશ્રિત થઇ ગયા હતા. અમિત શાહે તેમને નવેસર વસાવવાનું કાર્ય હાલની સરકારના અગ્રતાક્રમનાં કાર્યોમાં હોવાનું આશ્વાસન આપ્યું હતું.

