જો મારા અને રોહિત વચ્ચે મતભેદ હોત તો મારા ચહેરા પર દેખાત-વિરાટ

ખેલ-જગત મુખ્ય સમાચાર

મુંબઈ: વેસ્ટ ઇન્ડિઝના ટૂર પર રવાના થતાં પહેલા વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું. આ પહેલા મીડિયાામાં વિરાટ અને રોહિત શર્મા વચ્ચે અણબનાવ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. એવા સમાચાર પણ હતા કે તેના લીધે કોહલી કદાચ પ્રેસ કોન્ફરન્સ નહીં કરે. જોકે સોમવારે સાંજે કોહલી અને કોચ રવિ શાસ્ત્રી મુંબઇમાં પત્રકારો સમક્ષ હાજર થયા અને ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુક્યું

રોહિતના સવાલ પર કોહલીનો જવાબ

રોહિત સાથેના મતભેદની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકતા કોહલીએ કહ્યું, “જો હું કોઈ વ્યક્તિ વિશે અસુરક્ષિત છું, તો તમે તેને મારા ચહેરા પર જોશો. મેં હંમેશાં રોહિતની પ્રશંસા કરી છે, કારણ કે તે સારો છે. અમારી વચ્ચે કોઈ ઇશ્યૂ નથી. મને નથી ખબર કે આ જુઠ્ઠાણા પાછળ કોણ કામ કરી રહ્યું છે. અમે ક્રિકેટને ઉપર લાવવા માટે કામ કરી રહ્યા છીએ. તમે ટીમને ટોચ પર લાવવા સખત મહેનત કરી અને ચાર વર્ષ પછી આપણે આ વિશે વાત કરી રહ્યા છીએ. મીડિયાએ જોવાની જરૂર છે કે આપણે કંઈક એવું બનાવી રહ્યા છીએ જે ત્યાં નથી. હવે સમય છે કે આપણે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરીએ ના કે એવા મુદ્દાઓ પર જે છે જ નહીં. ”

વધુમાં કહ્યું “અણબનાવ વિશેની ઘટનાઓ વાંચવામાં ખૂબ જ હાસ્યાસ્પદ છે . રમત પરથી ફોકસ હટાવી દેવામાં આવ્યું છે. બહાર બેઠા લોકો આવી ચીજો કરી રહયાં છે. અમે સિનિયર ખેલાડીઓ છીએ. લોકો ડ્રેસિંગ રૂમ વિશે જુઠ્ઠાણા અને કલ્પનાઓ બનાવી રહ્યા છે. તે અનાદર જેવી બાબત છે.”

”તમને જોવું જોઇએ કે ડ્રેસિંગ રૂમનો માહોલ કેટલો સારો છે. કુલદીપ યાદવ અને એમએસ ધોની જેવા ખેલાડીઓ સાથે કેવી રીતે મજાક થાય છે. મને નથી ખબર આ રિપોર્ટ્સ કોણ બનાવે છે. અમારી અંગત લાઇફને પણ તેમાં સામેલ કરી દીધી છે.”

હું નથી જાણતો કોને ફાયદો થઇ રહ્યો છે

વિરાટે કહ્યુ કે ”હું નથી જાણતો કે આ વાતોથી કોને ફાયદો થઇ રહ્યો છે. અમે ભારતીય ક્રિકેટને શીર્ષ પર લઇ જવાની કોશિષમાં છીએ. અમુક લોકો અમને નીચા દેખાડીને ખુશ છે. ચાર વર્ષમાં અને ટીમને નંબર સાત થી એક પર લાવ્યા છીએ અને આજે આવી વાતો સાંભળી રહ્યા છીએ. ”

ડ્રેસીંગ રૂમમાં કોઇ નોનસેન્સ નથી- શાસ્ત્રી

પ્રેસ કોન્ફરન્સમાં હાજર કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું, ”અમે જે રીતે રમીએ છીએ, કોઇ પણ વ્યક્તિ રમતથી મોટો નથી. ના હું, ના વિરાટ કે ટીમનો અન્ય કોઇ ખેલાડી. જો કોઇની વચ્ચે મતભેદ હોત તો જે નિરંતરતાથી અમે રમ્યા છીએ તે સંભવ ન હોત. હું થોડા સમયથી ડ્રેસીંગ રૂમનો ભાગ છું, અને આ પ્રકારનું નોનસેન્સ ક્યારેય નથી થયું. ”

કોચ વિશેના સવાલ પર કોહલી

કોચ વિશેના સવાલ પર કોહલીએ કહ્યું, ”સીએઇએ અત્યાર સુધી મારો સંપર્ક નથી કર્યો. જો તે મારો દ્રષ્ટિકોણ જાણવા ઇચ્છશે તો હું જરૂર જણાવીશ. રવિ ભાઇ સાથે સારુ સામંજસ્ય છે. અમને ખુશી થશે જો તેઓ કોચ બનીને રહે છે. પરંતુ ફરી કહીશ કે આ વિષય પર મારાથી હજુ સુધી કોઇ વાતચીત નથી કરવામાં આવી. ”