ઈંગ્લેન્ડ સેમિ ફાઈનલમાં

ખેલ-જગત

બેરસ્ટોની ૧૦૬ રનની ઈનિંગ તેમજ રોય (૬૦) સાથેની ૧૨૩ રનની ઓપનિંગ ભાગીદારી બાદ માર્ક વૂડની ૩૪ રનની ૩ વિકેટની મદદથી ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને ૧૧૯ રનથી હરાવીને વટ કે સાથે વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. જીતવા માટેના ૩૦૬ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ ૧૮૬ રનમાં જ ખખડી ગઈ હતી. સતત બીજી મેચમાં સદી ફટકારનારા બેરસ્ટોને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. હારવા છતાં ન્યૂઝીલેન્ડ પણ સેમિ ફાઈનલમાં લગભગ નક્કી મનાય છે. જોકે તેને સેમિ ફાઈનલમાં પ્રવેશ નિશ્ચિત થઈ ગયો છે, તે જાણવા તારીખ ૫મી જુલાઈને શુક્રવાર સુધી રાહ જોવી પડશે.

ઈંગ્લેન્ડે આ સાથે ૧૯૯૨ બાદ પહેલી વખત વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. જ્યારે ઈ.સ. ૧૯૮૩ના વર્લ્ડ કપ બાદ તેઓએ ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવ્યો હતો. ઈંગ્લેન્ડે આ સાથે ન્યૂઝીલેન્ડ સામે બીજા ક્રમની સૌથી મોટા અંતરની જીત હાંસલ કરી હતી. જ્યારે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ટીમ પહેલી વખત સતત ત્રીજી મેચમાં પરાસ્ત થઈ હતી.

અગાઉ ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. બેરસ્ટો અને રોયની જોડીએ સંગીન શતકીય ભાગીદારી કરતાં જંગી સ્કોરનો પાયો નાંખ્યો હતો. આ પછી મોર્ગને ૪૨ રન ફટકારતા સ્કોરને ૩૦૦ની નજીક પહોંચાડયો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી બોલ્ટ, હેનરી અને નીશમે ૨-૨ વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી એકમાત્ર લાથમે ૫૭ રનની લડાયક ઈનિંગ રમી હતી.