દક્ષિણ ભારતીય ફિલ્મો અને બોલિવૂડના દિગ્ગજ સ્ટાર કમલ હાસનની ઈન્ડિયન 2 ફિલ્મના સેટ પર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ત્રણ લોકોના મોત થતા ખળભળાટ મચી ગયો છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર થયેલી આ દુર્ઘટનામાં નવ લોકોને ઈજા થઈ હોવાનું જણાયું છે. અભિનેતા કમલ હાસને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે.
કમલ હાસને ટ્વિટર પર સંદેશ આપતા લખ્યું કે, ‘ફિલ્મ નિર્માણ દરમિયાન અનેક અકસ્માતો તેણે જોયા છે પરંતુ આ સૌથી ભયાવહ અકસ્માત હતો અને ક્યારેય તેણે આવી ઘટના અનુભવી નથી. સેટ પર ત્રણ સાથીકર્મીઓના મોતથી તેને અત્યંત દુ:ખ થયું છે, જો કે તેના દુ:ખ કરતા મૃતકોના પરિવારની વેદના અનેક ગણી વધુ છે.’
દરમિયાન કમલ હાસને અન્ય એક ટ્વીટમાં લખ્યું હતું કે તેણે ઈજાગ્રસ્તોને સારવાર આપી રહેલા તબીબો સાથે પણ વાત કરી છે અને ઘાયલો ઝડપથી સાજા થઈ જાય તેવી આશા વ્યક્ત કરી હતી. લાયક્રા પ્રોડક્શને પણ એક નિવેદન જાહેર કરતા જણાવ્યું હતું કે, 19 ફેબ્રુઆરીના રોજ ઈન્ડિયન 2 ફિલ્મના સેટ પર એક દુ:ખદ ઘટના ઘટી છે. અમને સખત પરિશ્રમ કરનારા ટેક્નિશિયન્સ ક્રિષ્ના (આસિસ્ટન્ટ ડાયરેક્ટર), ચંદ્રન (આર્ટ આસિસ્ટન્ટ) અને મધુ (પ્રોડક્શન આસિસ્ટન્ટ)ને ગુમાવવાનો ખેદ છે. દુ:ખ ક્ષણમાં અમે મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવીએ છે અને ઈશ્વર સદગતની આત્માને શાંતિ આપે.
પ્રાપ્ત વિગતો મુજબ બુધવારના ઈન્ડિયન 2 ફિલ્મનો સેટ ઉભો કરવા માટેની એક વિશાળ ક્રેન તૂટતાં ત્રણ લોકોના દબાઈ જવાથી મોત થયા હતા. ચેન્નઈના બહારના વિસ્તારમાં આવેલા ઈવીપી ફિલ્મ સિટીમાં આ દુર્ઘટના ઘટી હતી જેમાં નવ લોકોને ઈજા પહોંચી હતી.
શંકરના નિર્દેશનમાં બની રહેલી ઈન્ડિયન 2 1996ની તમિલ બ્લોકબસ્ટર ઈન્ડિયનની સીક્વલ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં કમલ હાસન, કાજલ અગ્રવાલ, સિદ્ધાર્થ અને રકુલ પ્રીત સિંહ છે.

