તાજેતરમાં દિલ્હીની એક હોસ્પિટલમાં કરાયેલ અભ્યાસમાં પૂરવાર થયું છે કે, યોગ હાઇ બ્લડપ્રેશરની સ્થિતિને પણ સામાન્ય સ્તર પર લાવી શકે છે. આ અભ્યાસ દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના ન્યૂરોફિઝિઓલાજી વિભાગના શોધકર્તાઓએ કર્યો હતો. હોસ્પિટલે આપેલ માહિતી મુજબ, શરુઆતના હાઇ બ્લડપ્રેશરથી પીડિત 120 રોગીઓ પર યોગની અસરને જાણવા માટે આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંસ્થાએ રોગીઓને બે સમૂહમાં વહેંચ્યા હતા. પહેલા સમૂહને નિયમિત રીતે યોગ કરાવવામાં આવ્યા, જ્યારે બીજા સમૂહને સામાન્ય વ્યાયામ સાથે ખોરાકની પ્રણાલીમાં સુધાર અને ધુમ્રપાનથી દૂર રાખવામાં આવ્યા હતા. 6 મહિના સુધી કરેલ આ અભ્યાસમાં નોંધવામાં આવ્યું કે, રોગીઓને 24 કલાક અને તેમાં પણ ખાસ કરીને રાત્રિના સમયે ડાયસ્ટોલિક બ્લડપ્રેશર તથા ધમની પર દબાણની સ્થિતિમાં બીજા વ્યાયામ કરતા રોગીઓની તુલનામાં યોગ કરતા રોગીઓના બ્લડપ્રેશરમાં જલ્દીથી સુધારો આવ્યો હતો. અભ્યાસના રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, યોગ કરવાથી પ્રી-હાઇપરટેન્શનના શિકાર બનેલા લોકોમાં બ્લડપ્રેશર ઝડપીથી સામાન્ય સ્થિતિમાં આવે છે. હોસ્પિટલના ન્યૂરોફિઝિઓલોજી વિભાગના અધ્યક્ષ એમ ગોરી દેવી મુજબ હાઇ બ્લડપ્રેશર સમગ્ર વિશ્વમાં એક મુખ્ય સ્વાસ્થ્ય સમસ્યા છે અને દરેક પાંચ વ્યક્તિમાંથી એક વ્યક્તિ આ રોગનો શિકાર બને છે. હાઇ બ્લડપ્રેશરના રોગીઓની સંખ્યામાં વર્ષ 2025 સુધી 29.2 ટકા વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

