રાજધાની દિલ્હીમાં નાગરિકતા કાનૂનના સમર્થન અને વિરોધ વચ્ચે થયેલી હિંસાએ ઉત્તર પૂર્વીય દિલ્હી અને પૂર્વીય દિલ્હીના કેટલાક ભાગોને પોતાની ચપેટમાં લઈ લીધો છે. હિંસક પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાઓ પર પથ્થરમારો કર્યો, ગાડીઓમાં આગચંપી કરી અને એક જગ્યાએ તો પ્રદર્શનકારીએ જાહેરમાં ફાયરિંગ કરતા જોવા મળ્યો.
હિંસાને જોતા ઉત્તર પૂર્વીય દિલ્હીમાં દિલ્હી સરકારે મંગળવારે શાળાઓમાં રજા જાહેર કરી છે. એટલે કે કાલે શાળાઓમાં પરીક્ષા નહી લેવાય. જો કે બોર્ડની પરીક્ષાઓને લઈને દિલ્હી સરકારને કેન્દ્રની લીલીઝંડી મળવાની રાહ છે. દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરી આ જાહેરાત કરી છે.
થોડીવાર બાદ જ સીબીએસઈએ નિવેદન જાહેર કરી સ્પષ્ટ કર્યું છે કે, નોર્થ ઈસ્ટ દિલ્હીના કોઈ પણ કેન્દ્ર પર મંગળવારે બોર્ડની પરીક્ષા નહી યોજાય. મંગળવારે 12મા ધોરણના ચાર વોકેશનલ સબ્જેક્ટની પરીક્ષા છે. જેના માટે 18 પરીક્ષા કેન્દ્ર નિર્ધારિત છે અને આ બધુ પશ્ચિમી દિલ્હીના વિસ્તારમાં છે. આ નિવેદન સીબીએસઈના પીઆરઓ રામા શર્મા તરફથી આવ્યું છે.

