ગુજરાતમાં ભર ઉનાળે વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. એક બાજુ સમગ્ર ગુજરાતમાં લોકો કાળઝાળ ગરમીથી રાહીમામ પોકારી ઉઠ્યા છે તો બીજી બાજુ અરબી સમુદ્રમાં ખતરનાક ડીપ ડિપ્રેશન સર્જાયું છે. જે સૌરાષ્ટ્રના વેરાવળ થી અત્યારે 930 કિલોમીટર જેટલું દૂર છે. આગામી બે દિવસમાં અરબી સમુદ્ર માંથી આ વાવાઝોડું તીવ્ર ગતિએ આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર ત્રાટકશે. જેને પગલે ભારેથી અતિભારે વરસાદ આવશે તેમજ 110 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાશે. આ પ્રકારની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
વાવાઝોડાના જોખમને લઈને આજે ગાંધીનગરમાં ભારે ચહેલ પહેલ શરૂ થઈ છે. વેધર વોચ કમિટીની બેઠક પણ મળી હતી જેમાં વાવાઝોડા ના સંદર્ભમાં તમામ પ્રકારની ચર્ચા વિચારણા થઈ છે. વેરાવળ પોરબંદર જાફરાબાદ જેવા વિસ્તારોમાં હાઇએલર્ટ આપી દેવાયું છે ત્યાંના જિલ્લા કલેકટરને પણ વાવાઝોડાની સ્થિતિને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કરવાનો આદેશ આપી દેવાયા છે. ઉપરાંત એન ડી આર એફ ટી ટીમ ને પણ તેનાત રાખવામાં આવી છે સરકારના તમામ ડિપાર્ટમેન્ટને સાવધ કરાયા છે. ઉપરાંત સરકારના ટોચના અધિકારીઓ આર્મી એરફોર્સ એસ ડી આર એફ વગેરે જેવી જુદી જુદી એજન્સીઓ સાથે સતત સંપર્ક માં છે. માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે.
જોકે વાવાઝોડાને પગલે મોટાભાગના માછીમારો પરત આવી ગયા છે. જે માછીમારો બાકી છે એમને જલ્દી થી પરત લાવવાના પ્રયત્નો ચાલુ છે ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી સેલ ની મીટીંગમાં પણ વાવાઝોડાને પગલે ભારે ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ છે. આગામી 12 થી 14 જુન દરમિયાન વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે જેની સૌથી વધુ ખરાબ અસર સૌરાષ્ટ્ર અને કચ્છ પર થવાની છે. દક્ષિણ ગુજરાતમાં નજરી અસર થશે.
આ વાવાઝોડાને પગલે ગુજરાતના નિયમિત ચોમાસામાં પણ વિલંબ થવાનો છે. અરબી સમુદ્રમાં ઉભા થયેલા ડીપ ડિપ્રેશને સરકારની સાથે સાથે નાગરિકોની પણ ઊંઘ ઉડાડી દીધી છે વાવાઝોડું ત્રાટકયા બાદ રાહત અને બચાવની કામગીરી ખૂબ જ ઝડપથી થઇ શકે તેમજ ઓછામાં ઓછું જાનમાલને નુકસાન થાય તે માટે અત્યારથી જ તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. જે તે વિસ્તારમાં બચાવ ના સાધનો અને માણસોને તૈયાર રાખવામાં આવ્યા છે. હવામાન ખાતું તથા ઇસરો સતત સંપર્કમાં છે. સરકારના ટોચના અધિકારીઓ તમામ વિભાગો અને ઈસરો સાથે સંકલન કરીને આગળ વધી રહ્યા છે.