પાકિસ્તાન એરફોર્સનું એફ16 વિમાન ઈસ્લામાબાદના શકરપારિયાં ખાતે ક્રેશ થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સૂત્રોના મતે આ વિમાન 23 માર્ચના પરેડ દિવસ અગાઉ તેના રીહર્સલ દરમિયાન ક્રેશ થયું છે. વિમાનમાં સવાર પાયલટ વિંગ કમાંડર નૌમન અક્રમનું મોત થયું હોવાની પુષ્ટિ મીડિયા દ્વારા થઈ છે.
પાક. એરફોર્સના પ્રવક્તાએ જણાવ્યું કે, અમે નુકસાન અંગે તપાસ કરી રહ્યા છીએ. પ્રાપ્ત વિગતો મુજબ શકરપારિયાં ટેકરી ખાતે એફ-16 વિમાન ક્રેશ થયું હતું અને કાળા ધૂમાડાના ગોટા ઉડતા જોવા મળ્યા હતા. વિમાન ક્રેશ થયું હોવાથી લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા હતા.
પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી શિરીન મઝારીએ પણ જણાવ્યું કે, કેટલાક અહેવાલમાં જણાવાયું છે કે પાયલટે સફળતાપૂર્વક ઈજેક્ટ કરી લીધું હતું અને તેમણે આ અહેવાલ સાચા હોય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પીપીપીના સેનેટર શેરી રહેમાને આ અંગે એક વીડિયો પણ ટ્વીટ કરી પાયલોટની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી. જો કે પાયલટનું મોત થયું હોવાની વાતને સ્થાનિક મીડિયાએ સમર્થન આપ્યું હતું.
ગત મહિને પાકિસ્તાન એરફોર્સનું ટ્રેનર એરક્રાફ્ટ તેના નિયમિત ટ્રેનિંગ મિશન વખતે ખૈબર પખ્તુન્ખ્વામાં તખ્તભાઈ નજીક ક્રેશ થયું હતું.

