રાજ્યસભાની ચૂંટણીને લઇને ગુજરાતના વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને 15થી 20 ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં જોડાવવા માટે ઓફર આપી છે. ત્યારે કોંગ્રેસમાં જોડાવાની વાતને લઇને નીતિન પટેલે કોંગ્રેસના નેતાઓને તેમના નામનો ઉલ્લેખ નહીં કરવાની ચેતવણી આપી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી મારા લોહીમાં છે. કોઈ પણ પ્રકારની સત્તાની લાલચ મારા રાજકીય જીવનને અડી શકી નથી. ભૂતકાળમાં પ્રયાસ થઇ ચૂક્યો છે. શંકરસિંહ વાઘેલા રાજપાની સ્થાપના કરીને અલગ સરકાર બનાવી. તે વખતે મહેસાણાના ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓ રાજપામાં ગયેલા અને હું એ વખતે કડીનો ધારાસભ્ય હતો અને તે વખતે મને પણ રાજપામાં લઇ જવા માટે જૂદી-જૂદી સત્તાની ઓફરો જે તે લોકો દ્વારા કરવામાં આવી હતી. તે વખતે પણ હું ભાજપની સાથે રહ્યો હતો અને અત્યારે પણ મુખ્યમંત્રી બનાવવાની લાલચ આપે કે, કોઈ સત્તાની લાલચ આપે તો તે બધા ખોટા છે. મારું જીવનમાં એક સિક્કાની બે બાજુમાં એક બાજુ હું અને એક બાજુ કમળ છે.
કોઈ પણ ટૂકી દૃષ્ટિના માણસો અને સત્તા મેળવવા માટે તલપાપડ થતા લોકો અને તેમનો કોંગ્રેસ પક્ષ તૂટીફૂટીને વેરવિખેર થઇ ગયો છે ત્યારે ભરતસિંહ હોય કે, અમિતભાઈ હોય કે, પરેશભાઈ કે, કોઈ પણ ધારાસભ્ય વિધાનસભામાં કે જાહેરમાં બોલે. એ લોકોને હજુ ખબર નથી કે, તેઓ નીતિનભાઈનું નામ લે છે તે વ્યક્તિ કેવો નીડર અને કેવી સિદ્ધાંતવાદી છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, આજે કે ભવિષ્યમાં હું સત્તા પર હોય કે ન હોવ, કોઈ પણ જગ્યા પર અને કોઈ પણ ઉમરનો હોવ, તો પણ મારો ભારતીય જનતા પક્ષ મારો એક માત્ર પક્ષ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે,
ભાજપમાં હું સત્તા માટે નહીં પણ અમારા વિચારોથી અને સિદ્ધાંતોથી જોડાયેલો છું. બધા નેતાઓ મીડિયામાં ધ્યાન ખેંચવા માટે મારા નામનો કોઈ ઉલ્લેખ કરે તે વ્યાજબી નથી. હું એ બધા જેવો સત્તા લાલચુ નથી. હું સિદ્ધાંતને, ભારતીય સંસ્કૃતિ, ભાજપની વિચાર શ્રેણીને વરેલો છું. હું બધી બાબતનો વિચાર કરીને ભાજપની સાથે આજીવન રહ્યો છું અને રહેવાનો છું. એટલે હવે હું એમને બધાને ચેતવણી પણ આપું છું કે, કોઈ પણ રીતે તમારા રાજકીય જીવનની જેવી સ્થિતિ થવી હોય એ થાય, તમે ક્યાય રહો કે ન રહો, તમે અત્યારે છો તેના કરતા વધારે ખોવાઈ જાવ, તમારું જે થવું હોય એ થાય અને થવાનું છે અમારા હાથે અને અમારા પક્ષ દ્વારા જ થવાનું છે. પ્રજામાં ભ્રમ ફેલાવવા કોઈ કોંગ્રેસી હવે મારા નામનો ઉલ્લેખ ન કરે એવી દરેકને કડક ચેતવણી આપું છું.
જનતાને સંદેશો આપતા તેમને કહ્યું હતું કે, ભાજપ મારું જીવન છે, ભાજપની સાથે જીવવાનું છે અને ભગવાન જ્યારે લઇ જશે ત્યારે ભાજપમાં જ જઈશ. એટલે કોઈએ મારા નામની સાથે ચેંડા ન કરવા એવી દરેકને હું ચેતવણી આપું છું.

