ગુજરાતમાં જુલાઇ સુધી પીવાના પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: નીતિન પટેલ

ગુજરાત મુખ્ય સમાચાર

રાજ્યના ૬ કરોડથી વધુ નાગરિકોને પીવાનું પાણી પુરુ પાડવાં રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. હોવાનું જણાવતાં રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ઉનાળા દરમ્યાન રાજ્યના નાગરિકોને પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટે નર્મદા ડેમમાં પુરતું પાણી ઉપલબ્ધ છે. રાજ્યમાં દરરોજ ૩૭૫ કરોડ લીટર નર્મદાનું પાણી પીવાના ઉપયોગ માટે આપવામાં આવે છે. જે ગયા વર્ષ કરતાં દરરોજનું ૫૦ કરોડ લીટર વધારે છે. તે પૈકી ઢાંકી, માળિયા, વલ્લભીપુર કેનાલ, પરિયેજ-કનેવાલ દ્વારા હાલ ૧૯૦ કરોડ લીટર પાણી કચ્છ અને સૌરાષ્ટ્રને આપવામાં આવે છે, જે ગત વર્ષ કરતાં ૨૦ કરોડ લીટર જેટલું વધારે છે. આમ, ગુજરાતમાં નર્મદા આધારિત ૮૯૧૧ ગામો, ૧૬૫ શહેરો અને ૬ મહાનગરપાલિકાઓમાં નર્મદાના પાણી આપવામાં આવે છે.રાજ્યમાં ગાંધીનગર ખાતે પીવાના પાણીની ફરિયાદ નિવારણ માટે ટોલ ફ્રી નંબર-૧૯૧૬ ફ્રી હેલ્પ લાઇન ૨૪ કલાક કાર્યરતછે.

તેમણે કહ્યું કે, રાજ્યમાં ૫૧ તાલુકાઓમાં અછત જાહેર કરેલા છે, જેના કામો પ્રગતિમાં છે પરંતું લોકસભાની ચૂંટણીની આચારસંહિતા હોવાથી અમુક ગામોમાં બોરવેલ વગેરેના કામો હાથ પર લઇ શકાયેલા નથી. રાજ્ય સરકાર દ્વારા ઇલેક્શન કમિશનને આવા પ્રકારના કામો કરવા માટે અનુમતિ માંગી છે. ગાંધીનગર ખાતે પીવાના પાણીની ફરિયાદ નિવારણ માટે પાણી પુરવઠાની વડી કચેરીમાં ૧૯૧૬ નંબરની ટોલ – ફ્રી હેલ્પ લાઇન ૨૪ કલાક કાર્યરત છે. રાજ્યના નાગરિકોને રાજ્ય સરકાર દ્વારા વિનંતી કરાઇ છે કે, ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્નો અંગે તેઓ આ નંબર ઉપર ફરિયાદ નોંધાવે તો ઝડપથી નિરાકરણ લાવી શકાશે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, હાલમાં ડેમમાં પાણીનું લેવલ ૧૧૯.૫૦ મીટર છે અને હાલનો જીંવત સંગ્રહ ૦.૯૩ મીલીયન એકર ફીટ છે. ૩૦ જુન સુધીના બાકીના સમયગાળા માટે હજુ ગુજરાતનો વણવપરાયેલ હિસ્સો ૦.૮૭ મીલીયન એકર ફીટ, રાજસ્થાનનો ૦.૦૭ મીલીયન એકર ફીટ, મહારાષ્ટ્રનો ૦.૨૦ મીલીયન એકર ફીટ, ડેમના નીચાવાસમાં નદીમાં છોડવાનો જથ્થો ૦.૦૭ મીલીયન એકર ફીટ તથા બાષ્પીભવન ૦.૦૭ મીલીયન એકર ફીટ એમ કુલ જરૂરિયાત ૧.૨૮ મીલીયન એકર ફીટ છે.