વડોદરાઃ પોલીસે રિવોલ્વોર મુકીને કુકડે કૂક બોલાવ્યું

ગુજરાત

મ.સ. યુનિવર્સિટીની બદનામ પઠાણ ગેંગ બપોરે 2:30 વાગ્યા આસપાસ આર્ટ્સ ફેકલ્ટી અને સાંજે 5:30 પછી હોસ્ટેલ પાસે અડિંગો જમાવી છોકરીઓની છેડતી કરતી હોવાની રજૂઆત બાદ વીપી સલોની મિશ્રાને ગેંગ દ્વારા એસિડ એટેકની ધમકી આપી હોવાની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જેને પગલે પોલીસ દ્વારા ગેંગના પહેલી હરોળના ઝુબેર પઠાણ સહિત 8 જણની ધરપકડ કરવામાં આવી હતી.

જે બાદ ક્રાઈમ બ્રાન્ચમાં ઝૂબેરનો મુરઘો બનાવાયેલો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયોમાં તેણે પોતે છેડતી નહીં કરું અને ભણવામાં ધ્યાન આપીશ તેવું કહી કુકડે કુક કર્યું હતું. (આ વીડિયો અહીં અંતમાં દર્શાવાયો છે) જે વીડિયો જાહેર થઈ જતાં તેના ટેકેદારો નારાજ થયા હતા.

જામીન પર છૂટ્યા બાદ ઝુબેર પઠાણની પુનઃ અટકાયત કરાઈ હતી. રવિવારે રાત્રે તેને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ પોલીસ સ્ટેશનથી લઇ જઈને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ સાથે તે સોમવારે બપોરે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવી પહોંચ્યો હતો.

તેણે આ સંદર્ભે સયાજી હોસ્પિટલમાં કહ્યું હતું કે, રાત્રે 8:30 વાગ્યાની આસપાસ સયાજીગંજ પોલીસમથકે બે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ આવ્યા હતા અને તેને બુલેટ પર વચ્ચે બેસાડીને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ પર લઇ ગયા હતા. જ્યાં સામે રિવોલ્વર મૂકીને ‘હું ગુંડો છું, હું છેડતી કરું છું, કૂકડે કુ’ બોલવાનું કીધું અને નહીં કરે તો મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ બંધ રૂમમાં એક પછી એક ક્રાઇમ બ્રાંન્ચવાળાઓએ પટ્ટા, પાઇપો અને ડંડા વડે માર્યો હતો.

સૂત્રોનું કહેવું છે કે, ઝુબેર મૂળ ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાના ભરગેન ગામનો વતની છે. તેના અલીગઢની યુનિવર્સિટીમાં પણ સંપર્કો છે. ઝુબેર સામે કાર્યવાહીના પગલે અલીગઢના આકાઓએ ઉચ્ચ પોલીસ અધિકારીને સવાલો કર્યા હતા. જોકે, અધિકારીએ તેમને કડકાઈથી વળતો જવાબ આપ્યો હોવાની માહિતી મળી છે.