ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં કોરોના વાયરસના પહેલા કેસની પુષ્ટિ થઈ છે. આ સાથે જ ભારતમાં કોરોના વાયરસના પીડિતોની સંખ્યા 61 થઈ ગઈ છે. કેનેડાથી લખનઉ પોતાના સંબંધીને મળવા માટે આવેલી મહિલામાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. જોકે, મહિલાના પતિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
કેનેડાથી ભારત આવેલી આ મહિલાને કેજીએમયુના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. આ દરમિયાન કોરોનાના ડરથી લખનઉમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)નો પદવી સમારંભ ટાળી દેવામાં આવ્યો હતો. આ અગાઉ આઈઆઈએમ બેંગલુરુ સહિત અન્ય સંસ્થાઓએ પણ પોતાના કર્યક્રમો બંધ રાખ્યા છે.
બીજી તરફ પટણાના પીએમસીએચ અને એનએમસીએચમાં કોરોના વાયરસના બે-બે સંદિગ્ધ દરદી દાખલ થયા છે. પીએમસીએચમાં દાખલ થયેલા સંદિગ્ધોમાંથી એક ઔરંગાબાદ અને બીજા સમસ્તીપુરના છે. તેમની ઉંમર 30 અને 45 વર્ષની છે, જ્યારે એનએમસીએચમાં દાખલ થયેલ 30 વર્ષીય મહિલા રાજસ્થાનના બ્રહ્મ મંદિર જઈને આવી છે જ્યારે 24 વર્ષીય યુવક દિલ્હીથી આવ્યો છે. જેની તપાસના નમૂના આરએમઆરઆઈ ખાતે મોકલી દેવાયા છે.

