ભારતીય શેરબજારમાં સેન્સેક્સ ખૂલતા સાથે જ ઉંધે માથે પટકાયો છે. સેન્સેક્સમાં ઐતિહાસિક 2,600 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે જ્યારે નિફ્ટી આંક બે વર્ષમાં સૌપ્રથમ વખત 10,000ની સપાટી નીચે ગયો છે. ગુરુવારના સેશનમાં ગણતરીની મિનિટોમાં જ રોકાણકારોની મૂડીમાંથી 11 લાખ કરોડનું બાષ્પિભવન થઈ ગયું છે. જ્યારે માર્ચના પ્રારંભથી અત્યાર સુધીમાં ફક્ત છ-સાત ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાંથી 20 લાખ કરોડથી વધુનું ધોવાણ થઈ ગયું છે. 28 ફેબ્રુઆરીના બજારનું માર્કેટ કેપ 146 લાખ કરોડ હતું જે આજે ઘટીને 126 લાખ કરોડની સપાટીએ આવી ગયું છે. શેરબજારના ઐતિહાસિક કડાકા પાછળ આ પાંચ કારણો જવાબદાર છે:
(1) કોરોના વાયરસને WHOએ મહામારી જાહેર કરી
ચીનમાંથી શરૂ થયેલા કોરોના વાયરસ (COVID 19)ને વિશ્વવ સ્વાસ્થ્ય સંસ્થા (WHO)એ મહામારી જાહેર કરી છે. ચીન સહિત દુનિયાના અન્ય દેશોમાં પણ કોરોનાનો ફફડાટ ફેલાયો છે. ડબલ્યુએચઓના વડા ટેડ્રોસ હેડનોમ હીબ્રિયીસસે જણાવ્યું હતું કે, મહામારી શબ્દને સરળતાથી લઈ ના શકાય અને કોરોના વાયરસથી દુનિયાભરમાં ભારે જોખમ સર્જાવાની ભીતિ રહેલી છે. વિશ્વભરના 100થી વધુ દેશોમાં કોરોના વાયરસની અસર જોવા મળી છે અને 1.20 લાખથી વધુ લોકો આ વાયરસની લપેટમાં આવી ગયા છે તેમજ 4,500થી વધુના મોત થયા છે. ચીન બાદ ઈટાલી તેમજ ઈરાનમાં કોરોના વાયરસનો સૌથી વધુ ફેલાવો જોવા મળ્યો છે.
(2) યુરોપ પર અમેરિકાનો પ્રતિબંધ, વીઝા સસ્પેન્ડ
ડબલ્યુએચઓના નિર્ણયને પગલે અમેરિકાએ યુરોપથી (યુકેને બાદ કરતા) આવતા તમામ પ્રવાસીઓ પર શુક્રવારથી 30 દિવસ સુધીનો ટ્રાવેલ બેન લગાવી દીધો છે. કોરોના વાયરસના ફેલાવાને અટકાવવાના ભાગરૂપે અમેરિકાએ આ નિર્ણય લીધો છે. જો કે આનાથી વેપારને કોઈ પ્રતિકૂળ અસર નહીં થાય તેમ યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી. દરમિયાન ભારતે પણ ડિપ્લોમેટિક વીઝાને બાદ કરતા તમામ વીઝા 15 એપ્રિલ સુધી રદ કરવાની જાહેરાત કરી છે.
(3) FIIની વેચવાલીનું તીવ્ર દબાણ
વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા દુનિયાભરના બજારોમાંથી ઉચાળા ભરવાનું શરૂ કરાયું છે. કોરોનાથી વૈશ્વિક વૃદ્ધિ દર ધીમો પડવાની ભીતિ પાછળ રોકાણકારોએ શેરોમાંથી રોકાણ પરત ખેંચતા વૈશ્વિક સ્તરે ઈક્વિટી માર્કેટમાં ગાબડા પડ્યા છે. ભારતીય શેરબજારમાંથી એફઆઈઆઈએ માર્ચમાં અત્યાર સુધીમાં 20,831 કરોડની નેટ વેચવાલી કરી છે. 24 ફેબ્રુઆરીથી દૈનિક ધોરણે એફઆઈઆઈ નેટ વેચવાલ રહ્યા છે. ઈટીએફમાંથી રીડમ્પ્શનું દબાણ વધી રહ્યું છે.
(4) બોન્ડ માર્કેટમાં અનિશ્ચિતતા
આરબીઆઈ દ્વારા પ્રતિકૂળ દરખાસ્તને પગલે બોન્ડ માર્કેટમાં પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. યસ બેન્કની પુર્નગઠનની પ્રસ્તાવિત યોજનામાં આરબીઆઈએ ટાયર વન (AT1) બોન્ડને વેચવાની મંજૂરી આપતો આશ્ચર્યજનક નિર્ણય લેતા બજારવર્ગનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. એડિશનલ ટાયર વન બોન્ડ મારફતે બેન્કો બેસલ થ્રી નિયમો મુજબ જરૂરી મૂડી સ્તર જાળવી શકે છે. હવે આ બોન્ડના મૂલ્યમાં ઘટાડાથી બોન્ડ માર્કેટમાં અનિશ્ચિતતા પ્રવર્તમાની ભીતિ મની મેનેજર્સ વ્યક્ત કરી રહ્યા છે.
(5) વૈશ્વિક શેરબજારોમાં પ્રચંડ ગાબડા
વૈશ્વિક સ્તરે ઈક્વિટી માર્કેટમાં જોવા મળતા અફરાતફરી પણ સ્થાનિક બજારને ચેપ લગાવી રહી છે. એશિયા પેસિફિકનો એમએસસીઆઈ બ્રોડર ઈન્ડેક્સ 3.2 ટકા ગબડ્યો હતો અને 2019 બાદના નીચલા સ્તરે જોવા મળ્યો હતો. એશિયાન માર્કેટમાં જાપાનનો નિક્કી આંક 5.3 ટકા નીચે ગબડ્યો હતો. યુએસ માર્કેટમાં ડાઉ જોન્સમાં 5.86 ટકા તેમજ એસએન્ડપી ઈન્ડેક્સમાં 4.89 ટકાનો રકાસ નિકળ્યો હતો. યુરોપીયન બજારોમાં પણ ઘટાડા સાથે ટ્રેડિંગ રહેવાના એંધાણ જોવા મળી રહ્યા છે. યુરો સ્ટોક્સ ફ્યૂચર 8 ટકાથી વધુ નીચે ટ્રેડ થઈ રહ્યો છે.

