ભાજપમાં સામેલ થયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા પહેલીવાર ભોપાલ આવી રહ્યા છે. તેમના સ્વાગત માટે ભાજપના કાર્યાલયમાં ભવ્ય તૈયારી કરવામાં આવી છે. ભાજપે શહેરમાં ઠેર-ઠેર સિંધિયાના સ્વાગતના માટે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સિંધિયા દિલ્હીથી ભોપાલ પહોંચાતાની સાથે ભાજપ કાર્યાલય જશે. મળતી માહિતી પ્રમાણે સિંધિયા શુક્રવારે રાજ્યસભા માટે ઉમેદવારી પત્રક ભરવાના છે. મહત્વપૂર્ણ છે કે, સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતાની સાથે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્યો પણ રાજીનામું આપી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને જયપુર રિસોર્ટમાં ખસેડી રહી છે.
ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યા બાદ સિંધિયા એ કોંગ્રેસની ટીકા કરવાનું શરૂ કરી દીધુ હતું, તેમણે કોંગ્રેસ છોડવાના ત્રણ કારણો આપ્યા હતા અને કહ્યું હતું કે વર્તમાન કોંગ્રેસમાં કામ કરવું મુશ્કેલ છે કેમ કે હવે કોંગ્રેસમાં નવા નેતૃત્વને કોઇ મહત્વ નથી અપાઇ રહ્યું. બીજુ કારણ એ છે કે હાલ કોંગ્રેસમાં જડતાનો માહોલ છે અને વાસ્તવીક્તાને સ્વીકારવા નેતાઓ તૈયાર નથી. સિંધિયાએ ભાજપમાં જોડાયા બાદ 10 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. જેમાં તેઓએ ચાર વખત નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યો હતો. પણ મ. પ્રદેશના ભાજપ સરકારના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણનો ઉલ્લેખ નહોતો કર્યો.
આશરે 18 વર્ષ સુધી કોંગ્રેસમાં રહેલા સિંધિયાએ વર્તમાન કમલનાથ સરકાર પર ટ્રાંસફર ઉદ્યોગ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે મધ્ય પ્રદેશની વર્તમાન સરકારના 18 મહિનામાં મારા અનેક સપના વિખેરાઇ ગયા. મારા જીવનની બે મહત્વની તારીખો છે, પહેલી 30મી સપ્ટેમ્બર 2001 જ્યારે મારા પિતાનું મૃત્યુ થયું અને બીજી તારીખ 10મી માર્ચ, 2020 કે જ્યારે મે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો. આ સાથે જ સિંધિયાને મધ્ય પ્રદેશથી રાજ્યસભાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. તેઓ શુક્રવારે ભોપાલમાં રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. જ્યોતિરાદિત્ય સિંિધયાની નજર માત્ર રાજ્યસભા બેઠક પર નથી, તેઓ મ. પ્રદેશના મુખ્ય પ્રધાન પણ બનવા માગે છે.
જોકે તેઓને રાજ્યસભાના સાંસદ બનાવ્યા બાદ કેન્દ્રની મોદી સરકારમાં મંત્રી પદ આપવામાં આવી શકે છે. એક સમયે મોદી અને ભાજપની ટીકા કરનારા સિંધિયા ભાજપમાં જોડાયા એ સાથે જ બન્નેના વખાણ કરવાનું શરૂ કરી દીધુ હતું, સિંધિયાએ કહ્યું હતું કે મોદીના હાથોમાં દેશનું નેતૃત્વ સુરક્ષિત છે, તેમનામાં યોજનાઓ ઘડવાથી લઇને દેશના સારા ભવિષ્ય માટે જે પડકારો છે તેને પારખવાની ક્ષમતા પણ તેમનામાં છે.
સિંધિયાના ભાજપમાં જોડાવવામાં વડોદરાના ગાયકવાડ પરિવારનું યોગદાન?
મ. પ્રદેશના કદ્દાવર નેતા રહેલા માધવરાવ સિંધિયાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડી દીધી અને ભાજપમાં જોડાયા. જોકે આ પક્ષ પલટા પાછળ અન્ય લોકોએ પણ ભાગ ભજવ્યો છે. કેન્દ્રીય કૃષી પ્રધાન અને ભાજપના નેતા નરેન્દ્રસિંહ તોમર મ. પ્રદેશના એ ચંબલ વિસ્તારના છે કે જ્યાં સિંધિયાનું પ્રભુત્વ વધુ છે. તોમર સિંધિયાના સંપર્કમાં રહ્યા, રાજમાતા વિજયા રાજે સિંધિયા જનસંઘમાં હતા, તોમર આ સિંધિયા પરિવાર સાથે પણ સંબંધો ધરાવે છે. થોડા સમય પહેલા જ તોમરને મ. પ્રદેશમાં સ્થિતિ સંભાળવાની જવાબદારી સોપાઇ હતી. સિંધિયાનો ભાજપ સાથે સંપર્ક કરાવવામાં તેમના સાસરીયાના લોકોનો પણ હાથ મનાય છે, જ્યોતિરાદિત્ય સિંધિયા વડોદરાના રાજપરિવારના જમાઇ છે. તેમના સાસરીયામાં મહત્વના મનાતા ગાયકવાડ પરિવારના રાજમાતા શુભાંગિની દેવી ગાયકવાડે પણ સિંધિયા અને ભાજપ વચ્ચે વાતચીત આગળ ધપાવી, નરેન્દ્ર મોદી ગાયકવાડ પરિવારનું ઘણુ માન રાખે છે. આવી સ્થિતિમાં આ પરિવારનો સીધો સંપર્ક મોદી સાથે હોવાનું મનાઇ રહ્યું છે અને તેને કારણે જ સિંધિયા અને મોદી તેમજ શાહ વચ્ચે બેઠક શક્ય બની હોવાની ચર્ચા છે.

