ઇરાનમાં પરિસ્થિતિ બહુ વિચિત્ર થઇ છે. આઘાત લાગે તેવી વાત એ છે કે ઇરાનમાં તહેરાન પાસેના એક શહેર પાસે મોટી સંખ્યામાં કબરો ખોદાઇ ચુકી છે. આ ઘટનાને લગતાં અનેક વીડિયોઝ સોશ્યલ મીડિયા પર ફરી રહ્યાં છે. લોકો ઇરાનની સરકારને સવાલ કરી રહ્યાં છે કે ઇરાનમાં જેટલા લોકો COVID-19 પૉઝિટીવ આવ્યા છે અને જેમની સારવાર ચાલી રહી છે તેની સામે જે રીતે કબરો ખોદાઇ તે ખરેખર ભયની કંપારી છોડાવી દે તેવું છે. કોરોનાવાઇસની શરૂઆત થઇ ત્યારથી જ ઇરાને મોટી સંખ્યામાં કબરો ખોદવાની શરૂઆત કરી દિધી હતી અને આ કબરોની સેટેલાઇટ તસવીરો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ છે. આ કબરો આમ જનતાને ખબર ન પડે અને કોઇ ભય ન ફેલાય તેની તકેદારી રાખીને છાની રીતે ખોદવામાં આવી. ઇરાનનું ક્વોમ શહેર COVID-19નાં પ્રસાર માટે ગ્રાઉન્ડ ઝીરો સાબિત થયું છે અને અહીં અનેક મૃત્યુ થયાં છે. સોશ્યલ મીડિયા પર આ તસવીરો અને ખોદાયેલી કબરોનાં વીડિયો પોસ્ટ કરીને લોકો સવાલ કરી રહ્યાં છે કે શું ઇરાન સરકારે મૃત્યુનો સાચો આંકડો નથી જાહેર કર્યો? જુઓ ટ્વિટર પર મુકાયેલો આ વીડિયો જેમાં ખોદાતી કબરોની સાબિતી છે.
ગાર્ડિયન માં રજૂ થયેલા એક રિપોર્ટ અનુસાર આ તસવીરો પહેલાં ન્યુયોર્ક ટાઇમ્સમાં પબ્લિશ થઇ હતી જે અનુસાર ફેબ્રુઆરીનાં અંતમાં ફુટબોલ ગ્રાઉન્ડ જેટલા વિસ્તારમાં કબરો ખોદવાની શરૂઆત કરાઇ હતી. તેહરાનથી 120 કિલોમિટર દૂર આ કબરો ખોદાઇ છે. ઇરાનની સંસંદ, મજલિસ, પૂર્વ ડિપ્લોમેટ,સુપ્રિમ લિડરનાં વરિષ્ઠ સલાહકાર મૃત્યુ પામી ચૂક્યા છે. ઇરાનમાં લગભગ 10,000જણાંને કોરોનાવાઇરસ લાગુ પડ્યો છે અને અંદાજે 429 લોકો મૃત્યુ પામ્યા છે. થોડા દિવસ પહેલાં ઇરાનમાં શબોનાં ઢગલા થયા હોવાનો વીડિયો પણ વાઇરલ થયો હતો. આ શબોને ચકાસવાના હતા કે તમામ મૃત્યુ કોરોનાવાઇરસથી થયા છે કે કેમ.