સુરતમાં માનેલા ભાઈએ બહેનનું અપહરણ કરી દુષ્કર્મ કર્યું, પછી પરિવાર સામે મૂકી શરત

ગુજરાત

રાજ્યમાં બળાત્કારના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. નરાધમોને કાયદો અને પોલીસનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વધુ એક બળાત્કારની ઘટના સુરતના પ્રકાશમાં આવી છે. સુરતમાં એક યુવકે સગીરાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ ગુજારીને પરિવારની સામે એક અનોખી શરત મૂકીને સગીરાને મુક્ત કરી હતી. સમગ્ર મામલે સગીરાએ યુવક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

રિપોર્ટ અનુસાર સુરતમાં ચોક બજાર વિસ્તારમાં રહેતી એક સગીરાની માતાના માનીતા ભાઈના ભત્રીજા જયદીપને સગીરા પસંદ હતી. જયદીપ તેના કાકાની સાથે અવારનવાર સગીરાના ઘરે આવતો હોવાથી તે સગીરાને સારીરીતે ઓળખતો હતો પરંતુ સગીરા તેને ભાઈ માનતી હતી. થોડા દિવસ પહેલા જયદીપે દગીરાને ફોન કરીને કહ્યું હતું કે, તું મને ગમે છે અને મારે તારી સાથે લગ્ન કરવા છે. જયદીપની વાત સાંભળીને સગીરાએ તેને ભાઈ માનતી હોવાનું કહીને ઘણું સમજાવ્યો હતો.

સગીરાના સમજાવ્યા પછી પણ જયદીપ માનવા તૈયાર ન હોતો અને તેને સગીરાને પામવા માટે એક પ્લાન બનાવ્યો. જયદીપે સગીરાને ફોન કરીને તેની ઘરની બહાર મળવા આવવા માટે કહ્યું અને જો સગીરા મળવા નહીં આવે તો તે તેના ભાઈને મારી નાંખશે તેવી ધમકી આપી હતી. જયદીપની ધમકીથી ડરીને સગીરા તેના મળવા માટે ગઈ હતી. સગીરા જ્યારે જયદીપને મળવા ગઈ ત્યારે જયદીપ સગીરાનું અપહરણ કરીને તેને કારમાં પાટણ પોતાના વતનમાં લઇ ગયો હતો અને પાટણમાં સગીરાની સાથે પાંચ વખત દુષ્કર્મ આચર્યું હતું.

અપહરણ કર્યા પછી જયદીપે સગીરાના પરિવારના સભ્યોને ફોન કરીને કહ્યું હતું કે, તમારી દીકરી મારી પાસે છે અને તમે દીકરીના 18 વર્ષ પુરા થયા પછી તેના લગ્ન મારી સાથે કરાવવાનો એગ્રીમેન્ટ કરી આપો તો દીકરીને તમને સોંપી દઈશ. સગીરાને પરત મેળવવા માટે પરિવારના સભ્યોએ જયદીપની તમામ વાતો માની લીધી હતી અને ત્યારબાદ રાત્રીના સમયે તે સગીરાના ઘરની બહાર મૂકીને ફરાર થઇ ગયો હતો.

સગીરાએ જયદીપે તેની સાથે કરેલા કૃત્યની પરિવારના સભ્યોને જાણ કરતા તેમને તાત્કાલિક ચોક બજાર પોલીસ સ્ટેશનમાં જયદીપની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાના પરિવારના સભ્યોની ફરિયાદના આધારે જયદીપ સામે ગુનો દાખલ કરીને તેના મોબાઈલ લોકેશનના આધારે તેની ધરપકડ કરી હતો અને તેની સામે પોક્સો અને બળાત્કારનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.