ભાજપમાં હાલ સૌથી વધુ ડખો મહેસાણા લોકસભા સીટ અને ઊંઝા વિધાનસભાના ઉમેદવારનો છે. ભાજપ મહેસાણા બેઠક પરથી લોકસભા લડવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મનાવવાના છેલ્લી ઘડીના પ્રયાસ કરી રહ્યું છે. પ્રદેશ પ્રભારી ઓમ માથુરે નીતિન પટેલને કમલમ બોલાવ્યા હતા અને તેમની સાથે બેઠક કરી હતી. જો કે, મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડવા મામલે નીતિન પટેલે એકરાર પણ કર્યો ન હતો કે ઇન્કાર પણ કર્યો ન હતો. કમલમ ખાતે ઓમ માથુર સાથે બેઠક પૂર્ણ થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નીતિન પટેલે કહ્યું હતું કે અમને મનાવવાના ન હોય ઊલટું અમે બીજાને મનાવીએ છીએ. તમે કોને મનાવો છો તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે તે આવનારા દિવસોમાં ખ્યાલ આવશે. મહેસાણા બેઠકના ઉમેદવાર તરીકે તમારું નામ ચાલે છે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે એ નિર્ણય પાર્ટીએ જ લેવાનો છે. બીજી તરફ પાર્ટીના અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ મહેસાણા બેઠક પર નીતિન પટેલને ચૂંટણી લડવા માટે દિલ્હી હાઇકમાન્ડ તરફથી સૂચના મળ્યા બાદ ઓમ માથુર દ્વારા નીતિન પટેલ સાથે વાટાઘાટો કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લાની ઊંઝા વિધાનસભા બેઠક પણ ભાજપ માટે બળતું ઘર સાબિત થઇ છે. આશા પટેલને કોંગ્રેસમાંથી લઇ આવ્યા બાદ ભાજપમાં વિરોધ વકરતા હવે તેમને અહીંથી ઉમેદવારી નહીં કરવામાં સમજાવવામાં આવી રહ્યાં છે.

