વડોદરાઃ આરોપીને માર ન મારવા PSIએ માગી 35 હજારની લાંચ

ગુજરાત મુખ્ય સમાચાર

ફરીદ ખાન, વડોદરાઃસમાજમાં ગુનો કરનાર અને કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિની અટકાટત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે, અહીં તેની સાથે આગવી ઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવવામાં આવે છે, પરંતુ કેટલાક લાંચિયા પોલીસ અધિકારીઓના કારણે આરોપીઓને પોલીસ સ્ટેશનમાં ઘર જેવો અનુભવ થાય છે. આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે. અહીં એક PSI દ્વારા આરોપીને માર ન મારવા માટે રૂપિયા 35 હજારની લાંચ માગવામાં આવી. જો કે તે લાંચરૂશ્વત શાખા પાસે રંગેહાથ ઝડપાઇ ગયો.

પ્રાપ્ત વિગત પ્રમાણે વડોદરા શહેરનાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનાં PSI એ. આર. છોવાળાએ રૂ. 35 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. PSIએ આરોપીનાં રીમાન્ડ દરમ્યાન માર નહીં મારવાના અને ગુન્હાના કામે મુખ્ય આરોપી નહી બનાવવા માટે લાંચ માંગી હતી. જો કે આરોપીએ લાંચ આપવાના બદલે લાંચિયા પીએસઆઇને પાઠ ભણાવવાનું નક્કી કર્યું અને ACBને જાણ કરી.

આરોપીએ વડોદરા એ.સી.બી. પોલીસ. સ્ટેશનમાં ફરીયાદ આપતા લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનાં PSI એ.આર. છોવાળા (મુળ રહે-બી/૭, રવિ ટેનામેન્ટ, ચેનપુર રોડ, ન્યુ રાણીપ, અમદાવાદ) રૂ. 35 હજારની લાંચ લેતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં જ ઝડપાઇ ગયા હતા.