ખેડૂતો ના ખેતરમાં છેલ્લા 12 વર્ષથી નર્મદાનું સિંચાઈ નું પાણી પહોચાડી શકાયું નથી: ધાનાણી

ગુજરાત રાજકીય

આજે ગુજરાત વિધાનસભામાં વિપક્ષનેતા પરેશભાઈ ધાનાણીએ નર્મદા યોજનાથી સિંચાઈની સુવિધા પૂરી પાડવા અંગેના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ઉઠાવેલ પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન ના મુદ્દે જણાવ્યું હતું કે રાજ્યમાં નર્મદા યોજનાથી સિંચાઈ કુલ ૧૮ લાખ માંથી ૧૬ લાખ હેક્ટર વિસ્તારમાં થઇ છે એવું નાયબ મુખ્યમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું. પરંતુ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી સામાજિક – આર્થિક સમીક્ષા વર્ષ ૨૦૧૮-૧૯ ના પાના નંબર ૧૫ કોષ્ટક-૩/૩ માં જણાવ્યા મુજબ જુન-૨૦૧૮ સુધીમાં અધિકતમ ઉપયોગમાં લેવાયેલ સિંચાઈ ક્ષમતા માત્ર ૬.૭૩ લાખ હેક્ટર જ હતી.

જયારે સરકાર દ્વારા ૧૬.૩૮ લાખ હેક્ટરની સિંચાઈ ક્ષમતા હોવાનું જણાવેલ હતું. ત્યારે આ ૧૦ લાખ હેક્ટર નો તફાવત શા માટે આવે છે? તેની સ્પષ્ટતા નાયબ મુખ્યમંત્રી એ કરવી જોઈએ રાજ્ય ના ખેડૂતોને સમયસર પુરતું સિંચાઈ નું પાણી ન પહોચાડતા ખેડૂતોને ખુબ જ મોટું નુકશાન સહન કરવું પડ્યું. જો પુરતી સિંચાઈ પૂરી પાડવામાં આવી હોત તો રાજ્યમાં સરેરાશ વર્ષે ૧ લાખ કરોડનું ખેત ઉત્પાદન થઇ છે જે બે ગણું થઇ ને ૨ લાખ કરોડ નું ખેત ઉત્પાદન કરી શકાયું હોત.

નર્મદા એ આપની જીવાદોરી છે, નર્મદા કમાંડ થી ૧૮.૪૫ લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈ નું પાણી પૂરું પાડવા માટે વર્ષ ૨૦૦૬ માં ડેમની ઉંચાઈ ૧૨૧.૮ મીટર ના ક્રેશ લેવલ સુધી પ્રાપ્ત કરી છે.ત્યાર થી જો કેનાલ નું નેટવર્ક ઉપલબ્ધ હોત તો વર્ષ ૨૦૦૬ થી જ રાજ્યના ખેડૂતોના ખેતર સુધી નર્મદા નું સિંચાઈ નું પાણી પહોચાડી શક્યા હોત.

આમ, કેનાલ નેટવર્ક ઉભું કરવામાં સરકારની ઢીલી નીતિના કારણે વર્ષ ૨૦૦૬-૨૦૧૮ સુધી કુલ ૧૨ વર્ષ માં રાજ્યના ખેડૂતોને ઓછા કૃષિ ઉત્પાદનથી ૧૨ લાખ કરોડનું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. આથી સરકાર ની નિષ્ફળ નીતિઓના કારણે જ ખેડૂતો ના ખેતરમાં છેલ્લા ૧૨ વર્ષથી નર્મદાનું સિંચાઈ નું પાણી પહોચાડી શકાયું નથી એ વાત સરકારે સ્વીકારવી જોઈએ.