કોરોના વાયરસના કારણ દેશમાં એક તરફ ડરનો માહોલ બનેલો છે. દેશના 30 રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકડાઉન જાહેર કરી દેવાયું છે. મોટા ભાગના જિલ્લાઓમાં કરફ્યૂ પણ લગાવી દેવામાં આવ્યો છે. એવું પહેલી વખત થયું છે કે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકોને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે. કોરોનાના ડરના કારણે ભારતીય રેલવેને પણ બંધ કરી દેવામાં આવી છે. એવામાં રેલવે મંત્રાલય તરફથી લોકોને પણ પોતાના ઘરોમાં જ રહેવા માટેની અપીલ કરવામાં આવી છે.
સોમવારે રાત્રે રેલવે મંત્રાલય તરફથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું કે, ‘ભારતીય રેલવે ક્યારેય પણ રોકવામાં નથી આવી, યુદ્ધના સમયમાં પણ રેલવે સેવા ચાલુ જ રહી હતી. તેથી મહેરબાની કરીને પરિસ્થિતિની ગંભીરતા સમજો અને પોતાના ઘરમાં જ રહો.’
નોંધનીય છે કે દેશના ઈતિહાસમાં એવું પહેલી વખત થયું છે કે જ્યારે દેશની તમામ પેસેન્જર ટ્રેનને બંધ કરી દેવામાં આવી હોય. તમામ ટ્રેનને કેન્સલ કરી દેવામાં આવી છે અત્યારે દેશમાં ફકત માલગાડીઓ ચલાવવા માટેની જ પરવાનગી આપવામાં આવી છે. એવામાં હવે ખૂદ રેલવે મંત્રાલય લોકોને કહી રહ્યું છે કે મહેરબાની કરીને તમે ઘરમાં જ રહો.
નોંધનીય છે કે ફક્ત રેલવે સેવા જ નહીં પણ દેશના અલગ-અલગ શહેરોમાં ચાલનારી મેટ્રો ટ્રેનોને પણ બંધ કરી દેવામાં આવી છે. દિલ્હી, નોઈડા, કોલકાતા, બેંગલુરુ, મુંબઈ, કોચી, નાગપુર સહિત અન્ય મેટ્રોની સેવાને 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સોમવારે મોડી રાતથી દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવી છે.

