કોરોના ચેપઃ ગુજરાતમાં ચાર નવા કેસ સાથે કુલ 33 પોઝિટિવ કેસ

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. મંગળવારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ સુરતમાં બે તેમજ ગાંધીનગરમાં બે નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ 33 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકારે 23મી માર્ચના મધરાતથી 31મી સુધી સંપૂર્ણ રાજ્યમાં લોકડાઉનના આદેશ આપી દીધા છે. દવાઓ, આરોગ્ય સેવા, કરિયાણા, શાકભાજી, દૂધ વીજળી, પાણી, પેટ્રોલ, ડીઝલ, મીડિયા, વિમા કંપની, બેન્ક, પોસ્ટ તેમજ સિક્યુરિટી સહિતની સેવાઓ જ ચાલુ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. જનતા કર્ફ્યૂ બાદ પણ લોકો કોરોના વાયરસના સંક્રમણને ગંભીરતાથી નહીં લેતા રાજ્ય સરકારે 23મી માર્ચના સમગ્ર રાજ્યને લોકડાઉન કરવાના આદેશ આપ્યા હતા.

કોરોના વાયરસ અંગે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં કુલ નવા ચાર કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગરમાં બે કેસ છે જે બન્ને લોકલ ટ્રાન્સમિશન દ્વારા ફેલાયા હોવાનું જણાયું છે. ગાંધીનગરમાં 53 વર્ષીય પુરુષને તેમજ 54 વર્ષની સ્ત્રી કોરોનાથી સંક્રમિત થયા હોવાનું માલૂમ પડ્યું હતું. જ્યારે સુરતમાં 32 વર્ષીય યુવક યુએઈથી આવ્યો હોવાથી તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત સાઉદીથી પરત ફરેલા 66 વર્ષના આધેડને પણ કોરોના હોવાનું તપાસમાં જણાયું હતું.

આ ચાર કેસના વધારા સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 33 પર પહોંચી ગઈ છે. સુરતમાં નાનપુરમાં એક 67 વર્ષના વૃદ્ધનું કોરોનાથી મૃત્યુ થયું હતું જે ગુજરાતમાં કોરોનાથી થયેલું સૌપ્રથમ અને એકમાત્ર મોત છે. અમદાવાદમાં સૌથી વધુ 13 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા, સુરત અને ગાંધીનગરમાં 6-6 કેસ થયા છે.

રાજ્ય સરકાર દ્વારા કર્ફ્યૂનું પાલન નહીં કરનાર તેમજ કલમ 144નો ભંગ કરનાર સામે કડક પગલાં ભરવા આદેશ કર્યો છે. તમામ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરને સત્તા સોંપવામાં આવી છે. લોકડાઉન દરમિયાન રાજ્યની અંદર તેમજ બહાર કોઈપણ વાહનને પ્રવેશવના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સરકારે લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવતી કોઈપણ પ્રકારની અફવાહોમાં પ્રજાએ દોરવાવું નહીં. આ ઉપરાંત કોઈ ચકાસણી કર્યા વગર આધારભૂત ના હોય તેવા અહેવાલોને કે માહિતીને આગળ ફોરવર્ડ નહીં કરીને એક જવાબદાર નાગરિકની જવાબદારી નિભાવવા આહ્વાન કર્યું છે.