Coronaના કારણે અશાંત દેશોની સ્થિતિ વધુ બદતર થશે: રાષ્ટ્ર સંઘની શાંતિ જાળવવા અપીલ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

રાષ્ટ્રસંઘના વડા એન્ટોનિયોએ આજે જણાવ્યું હતું કે જે દેશો અશાંતિમાંથી પસાર થઈ રહ્યા છે, તેમણે ચેતવાની જરૃર છે. આવા દેશોની સ્થિતિ આગામી દિવસોમાં વધારે બદતર થઈ શકે છે. લિબિયા, સિરિયા, યમન જેવા દેશો વર્ષોથી ગૃહયુદ્ધ લડી રહ્યા છે અને અમુક કેસોમાં સરહદી સંઘર્ષ પણ ચાલુ છે. ત્યાં Corona ફેલાવાની શરૃઆત થયા પછી અટકવો મુશ્કેલ થઈ પડશે, એવી ચેતવણી રાષ્ટ્રસંઘે આપી હતી. માટે આ ત્રણ અને અન્ય દેશો પણ અત્યારે શાંતિ જાળવે, એવી અપીલ એન્ટોનિયોએ કરી હતી.

Coronaને કારણે બંધ પડેલા ધધા-રોજગારથી અમેરિકામાં માર્ચ મહિનામાં ૭ લાખ ૧ હજાર લોકોએ નોકરી ગુમાવી હતી. અમેરિકી સરકારના લેબર ડિપાર્ટમેન્ટે આજે આંકડા રજૂ કર્યા હતા. ૨૦૦૯ પછી એક જ મહિનામાં નોકરી ગુમાવનારાનો આ સૌથી મોટો આંકડો છે. આ ઘટાડાની અસર અમેરિકી શેરબજાર અને ક્રૂડ બજારમાં પણ થઈ હતી અને ત્યાં મોટે પાયે ઉથલ-પાથલ જોવા મળી હતી. ડાઉજોન્સમાં ૨૦૦ અંકનો કડાકો જોવા મળ્યો હતો.

દુનિયાભરમાં Coronaના 10 લાખથી વધુ કેસ

સ્પેન, અમેરિકા અને બ્રિટનમાં મોટી સંખ્યામાં મોત નોંધાતા Coronaથી મોતનો વૈશ્વિક આંકડો ૫૬ હજારથી વધી ગયો હતો, જ્યારે Coronaના કેસ સાડા દસ લાખથી પણ વધી ગયા છે. બીજી તરફ સવા બે લાખથી વધારે દરદી સાજા પણ થયા છે. સ્પેનમાં ૨૪ કલાકમાં જ ૯૦૦ મોત નોંધાયા હતા. બ્રિટનમાં પણ એક દિવસમાં ૫૬૯ મોત નોંધાતા સરકારે નવી કામચલાઉ હોસ્પિટલો ખોલવાની શરૃઆત કરી દીધી હતી.

જર્મન સરકારે જણાવ્યું હતુ કે ત્યાં ચેપ લાગવાનો દર જરા ધીમો પડયો છે. ચીની સરકારે જાહેર કર્યું હતુ કે તેઓ ૪થી એપ્રિલનો દિવસ શોક દિવસ તરીકે મનાવશે. એ માટે ૪થી એપ્રિલે સવાલે ૧૦ વાગ્યે આખા ચીનમાં ૩ મિનિટનું મૌન પાળવામાં આવશે અને કોરોનાથી ચીનમાં મૃત્યુ પામેલા ૩૩૦૦થી વધુ લોકોને અંજલિ અપાશે. બીજી તરફ અર્થતંત્રને વેગવંતુ બનાવવા ચીની સેન્ટ્રલ બેન્કે અન્ય બેન્કોને સૂચના આપી છે કે કુલ ૫૬ અબજ ડૉલર જેટલું ફંડ માર્કેટમાં ઠાલવવું. સાઉદી અરબના રાજાએ પણ માર્કેટમાં ૨.૪ અબજ ડૉલરની રકમ ઠાલવવાનો આદેશ આપ્યો છે. જેથી કોરોનાને કારણે ધીમું પડેલું અર્થતંત્ર વેગવાન બની શકે.

ફ્રાન્સમાં શબપેટી ઉદ્યોગમાં તેજી!

કોરોનાવાઈરસને કારણે મોટા ભાગના ઉદ્યોગોમાં મંદી છે, પરંતુ અમુક ઉદ્યોગોમાં તેજી આવી છે. જેમ કે ફ્રાન્સમાં શબપેટી (કોફીન) બનાવનારાઓના કામમાં વૃદ્ધિ નોંધાઈ છે. ફ્રાન્સના શબપેટી નિર્માણ કરતા સુથારોએ જણાવ્યુ હતુ કે સામાન્ય દિવસોમાં અમે રોજની ૫૦ શબપેટી બનાવતા હોઈએ છીએ. પરંતુ અત્યારના સમયે આઠગણુ વધારે ઉત્પાદન કરવું પડે છે, એટલે કે ૪૦૦ જેટલી શબપેટીઓનું નિર્માણ થાય છે.