ગુજરાત સરકારે સતત એક મહિનાના લૉકડાઉનને કારણે બંધ પડેલાં ધંધા રોજગાર ફરી શરૂ કરવા અક્ષય તૃતિયા એટલેકે અખાત્રીજનું શુભ મૂહૂર્ત કાઢ્યું છે. રવિવારથી પોતાના બંધ પડેલા ધંધા રોજગાર વ્યાપારીઓ રવિવારથી શરૂ કરી શકશે, અલબત્ત તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફરજિયાત માસ્કની શરત મૂકી છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે રાજ્યમાં લૉકડાઉનનો બીજો તબક્કો પૂરો થવા જઈ રહ્યો છે પરંતુ લોકોને જરૂરી વસ્તુઓ મળી રહે અને અર્થવ્યવસ્થા પણ બહાલ રહે તે માટે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે બહાર પાડેલી માર્ગદર્શિકા મુજબ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજ્યભરમાં અમુક શરતો આધીન દુકાનો ચાલુ કરાવવાનો નિર્ણય લીધો છે. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ સમીક્ષા કરી અન્ય વ્યવસાય માટે છૂટછાટ આપવામાં આવશે.
દુકાનોનું કોમ્પલેક્ષ બંધ રાખવામાં આવશે
કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર આવેલી દુકાનોને જ આ પરવાનગી મળી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા કે નગરપાલિકા વિસ્તારમાં જ્યાં પણ મોલ અથવા માત્ર કોમર્શિયલ દુકાનોનું કોમ્પલેક્સ હોય તે દુકાનો હજુ બંધ રહેશે. આ સ્થળો પર ભીડ ભેગી થાય તથા પાર્કિંગ સ્પેસમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેમ ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં આવેલી રેસિડેન્શિયલ સ્કીમમાં જો દુકાનો હશે તો તે ચાલું રહી શકે છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે જે યાદી બહાર પાડી હતી તેમાં તમામ શોપિંગ કોમ્પલેક્સ બંધ રાખવા જણાવાયું છે, પણ ગુજરાત સરકારે સ્થાનિક પરિસ્થિતિ જોતાં આ નિર્ણય લીધો છે.
દુકાન ચાલુ રાખવાનો સમય સ્થાનિક તંત્ર નક્કી કરે
દુકાન કયા થી કયા સમય સુધી ચાલુ રાખવી તે અંગે રાજ્ય સરકારે કોઈ નિર્ણય લીધો નથી પરંતું સ્થાનિક તંત્ર અને પોલીસ આ માટે સમય જાહેર કરી શકે જેથી જાહેર સ્થળોએ બિનજરૂરી ભીડ ભેગી ન થાય અને લોકો એકબીજાથી અંતર રાખી પોતાનો સામાન ખરીદી શકે. આ ઉપરાંત લોકો પણ ખરીદી માટે બહાર નિકળશે તો પોલિસ રોકશે નહીં, પરંતુ બિનજરૂરી આંટાફેરા મારી નહીં શકાય.
ફરજિયાત માસ્ક-સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન કરવું પડશે
દરેક દુકાન ધારકોએ શક્ય તેટલા ઓછા સ્ટાફ સાથે કામ કરવું. આ સાથે માલિક કે દુકાનમાં કામ કરતા તમામ લોકોએ માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત છે. આ ઉપરાંત ગ્રાહકો પણ આ પાલન કરે તે દુકાન-ધંધા વ્યવસાયકારોએ જોવાનું રહેશે. ગ્રાહકોને મર્યાદિત સંખ્યામાં અંતર જળવાય તે રીતે ઊભા રાખવાની સુવિધા પણ દુકાન માલિકને કરવાની રહેશે. અન્યથા દુકાન માલિકને દંડ ફટકારાશે.
કોઇ પરવાનાની જરૂર નથી
દુકાન ધારકો-વ્યવસાયકારોએ પોતાના ધંધા વ્યવસાય શરૂ કરવા માટે કોઇ વધારાનું પ્રમાણપત્ર લેવા જવાનું રહેશે નહિ. ગુમાસ્તા ધારા હેઠળ મેળવેલું લાયસન્સ તેમજ ઓળખના પૂરાવાને માન્ય ગણવામાં આવશે અને તેના આધારે વ્યવસાય-દુકાન શરૂ કરી શકાશે. આ ઉપરાંત તેમને આવવા જવા માટે પણ કોઈ અડચણ રહેશે નહીં, માત્ર પોલીસને પોતાના ઓળખપત્ર બતાવાનું રહેશે.
IT-ITES એકમો પણ ચાલું કરી શકાશે
I.T તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ 50 ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે. આમ સોફ્ટવેર અને મોબાઇલ, ટેલિકોમ, કોલ સેન્ટર આધારિત સેવા પણ ચાલુ થઈ શકશે.
બજાર સમિતિની મુદ્દત પૂર્ણ થઇ હોય તો પણ 31 જુલાઈ સુધી ચાલુ રહેશે
લૉકડાઉનની સ્થિતીમાં જે બજાર સમિતિઓની વ્યવસ્થાપન કમિટીની મુદત પૂર્ણ થઇ ગઇ છે તેવી બજાર સમિતિઓની મુદત 31 જુલાઇ સુધી લંબાવી દેવામાં આવી છે. જે બજાર સમિતિઓની વ્યવસ્થાપન સમિતીની ચૂંટણી કોર્ટના આદેશને આધિન યોજવાની થતી હોય તો તે કરી શકાશે. અન્યથા સામાન્ય સંજોગોમાં અન્ય મંડળીઓ-સમિતીઓની વ્યવસ્થાપન સમિતીની મુદત વધારી દેવામાં આવી છે.
ગરીબો માટે અનાજ વિતરણ શરૂ
અંત્યોદય અને PHHના NFSA અન્વયે અનાજ મેળવતા ૬૬ લાખ પરિવારોને વિનામૂલ્યે 3.50 કિલોગ્રામ ઘઉં અને 1.50 કિલોગ્રામ ચોખા વધારાના આપવાનો પ્રારંભ થયો છે. અત્યાર સુધીમાં ૪.પ લાખ પરિવારો આ અનાજ વિતરણનો લાભ લઇ ચૂકયા છે એમ પણા તેમણે જણાવ્યું હતું..
લોડિંગ વાહનો માત્ર માલસામાન માટે
દુકાનો વ્યવસાય શરૂ થતા લોડિંગ વાહનો રીક્ષા વગેરે ફરતા થશે, પરંતું તેમાં માણસો હરફર કરી શકશે નહીં. નાના લોડિંગ વાહનોમાં માત્ર ચાલક જ બેઠેલો હોવો જોઈએ.
ટુ વ્હીલર પર એક અને ફોર વ્હીલર પર બેને મંજૂરી
લોકો એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે અને જરૂરી સામાન ખરીદી શકે તે માટે વાહનોની મંજૂરી આપી છે. પરંતુ ટુ વ્હીલર વાહનો પર એક અને ફોર વ્હીલર વાહનોમાં બે જ વ્યક્તિ એક સમયે મુસાફરી કરી શકશે.
ટોળાં થાય કે બજારો ભરાય તો કાર્યવાહી થશે
દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે. પોતાની દુકાન પર ભીડ ન થાય તથા દુકાનની આસપાસ પણ બિનજરૂરી રીતે લોકો એકઠા થાય નહીં તેનું ઘ્યાન રાખવું પડશે. જો આમ થશે તો પોલીસ ભીડ વિખેરવા અને કસૂરવાર સામે જરૂરી પગલા ભરવા સુધીની તમામ કામગીરી કરશે.

