11 એપ્રિલથી ભારતમાં લોકસભા ચૂંટણીની શરુઆત થવા જઈ રહી છે ત્યારે બીબીસી રિયાલિટી ચેક મુખ્ય રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલા વાયદા અને દાવાઓનું પરીક્ષણ કરી રહ્યું છે. ગત વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારને મળેલી એક મોટી સિદ્ધિની પ્રશંસા કરી હતી. સરકારે કહ્યું હતું કે દેશનાં દરેક ગામડાંમાં વીજળી પહોંચાડવાનું તેમનું લક્ષ્ય સાધી લેવાયું છે. વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું, “ગઈકાલે અમે અમારો વાયદો પૂર્ણ કર્યો છે કે જેના કારણે મોટાભાગના ભારતીયોનું જીવન હંમેશાં માટે બદલાઈ જશે.” દેશનાં દરેક ગામડાં અને ઘર સુધી વીજળી પહોંચાડવી એ મોદી સરકારની પ્રાથમિકતા હતી. તો શું વડા પ્રધાન મોદીનો દાવો સાચો સાબિત થયો છે? તે જાણવા માટે ગામડાંની પરિસ્થિતિ પર નજર કરીએ. સરકારની વ્યાખ્યા પ્રમાણે એક ગામ વીજળીની સુવિધાથી સંપૂર્ણપણે સજ્જ ત્યારે કહેવાય જ્યારે તે ગામનાં 10% ઘરોમાં વીજળી હોય, સાથે જ જાહેર સ્થળો જેમ કે સ્કૂલ, દવાખાના જેવી જગ્યાઓ વીજળીથી કનેક્ટેડ હોય. વર્ષ 2011ની જનગણના પ્રમાણે ભારતમાં આશરે 6 લાખ ગામડાં છે અને સરકારની વ્યાખ્યા અનુસાર આ દરેક ગામડાંમાં વીજળી પહોંચી ચૂકી છે. જોકે, ઘણું કામકામજ છે કે જે ભૂતપૂર્વ સરકારના શાસનમાં થયું હતું. જ્યારે વડા પ્રધાન મોદીએ સત્તા સંભાળી ત્યારે દેશના 96% ગામડાંમાં વીજળી હતી. માત્ર 18,000 ગામડાં એવાં હતાં કે જ્યાં વીજળી પહોંચી ન હતી. ભારતની સિદ્ધિના વર્લ્ડ બૅન્કે પણ વખાણ કર્યા છે. વર્લ્ડ બૅન્કનું અનુમાન છે કે દેશની 85% જનતા સુધી વીજળી પહોંચી ગઈ છે. સરકારનું અનુમાન હતું કે દેશની 82% જનતા સુધી વીજળી પહોંચી છે. જ્યારે ભાજપને સત્તા મળી હતી, ત્યારે ભારતમાં વીજળીની ભારે કમી હતી. 27 કરોડ લોકો એવા હતા કે જેમના સુધી વીજળી પહોંચી ન હતી. વર્લ્ડ બૅન્કના 2017ના સ્ટેટ ઑફ ઇલેક્ટ્રિસિટી ઍક્સેસ રિપોર્ટ પ્રમાણે આ આંકડો ભારતને વીજળીની ખામી મામલે વિશ્વમાં ત્રીજા નંબરે લઈ ગયો હતો.

