રણવીર સિંહ હિન્દી ફિલ્મોદ્યોગમાં આવ્યો ત્યાર બાદ તેણે માત્ર સામાન્ય લોકોને જ નહીં બલ્કે સમગ્ર બોલીવૂડને આંજી દેનારી પ્રગતિ કરી છે. તેમાંય ૨૦૧૮ની સાલ તેના માટે શ્રેષ્ઠતમ પુરવાર થઈ. આ વર્ષના આરંભમાં અનેક વિવાદો અને તોફાનો બાદ તેની ફિલ્મ ‘પદ્માવત’ રજૂ થઈ. આ ફિલ્મની રજૂઆત સાથે તે જાણે કે બોલીવૂડ પર સમગ્રપણે છવાઈ ગયો.
તેણે તેનો નેગેટિવ રોલ પણ એટલી ખૂબીથી ભજવ્યો કે લોકોમાં ફરી એક વખત તેના અભિનયની વાહ વાહ થઈ ગઈ. તેની લોકપ્રિયતાનો ગ્રાફ માપવા તેને મળતી એડવર્ટાઈઝો જ પૂરતી છે. આજની તારીખમાં અભિનેતા ૨૬ બ્રાન્ડ એન્ડોર્સ કરી રહ્યો છે. બોલીવૂડના ટોચના ફિલ્મ સર્જકોે પાસે તેને માટે સ્ક્રીપ્ટ્સ છે.
અને આ વર્ષમાં જ દીપિકા પાદુકોણને જીવનસંગિની બનાવીને રણવીર ભાગ્યની બુલંદીને સ્પર્શ્યો છે. તાજેતરમાં તેની ફિલ્મ ‘સિમ્બા’ રજૂ થઈ. અને આ ફિલ્મમાં પણ તેણે પોતાનો ભ્રષ્ટ પોલીસ અધિકારીનો રોલ એટલી જ ખૂબીથી નિભાવ્યો.
રણવીર તેની આ ફિલ્મ વિશે કહે છે કે મારા માટે રોહિત શેટ્ટી સાથે કામ કરવાનું જ સૌથી વધુ મહત્ત્વનુ ં હતું. તેઓ મસાલા ફિલ્મો બનાવવામાં માસ્ટર છે. અને મને મસાલા ફિલ્મો કરવી ગમે છે. હું હમેશાંથી તેમની સાથે મસાલા ફિલ્મ કરવા માગતો હતો. તેમણે મને આ ફિલ્મમાં લીધો એ મારું ભાગ્ય છે. અલબત્ત, તેમની સાથે કામ કરવા તમારામાં ચોક્કસ પ્રકારની આવડત હોવી આવશ્યક છે. આ ફિલ્મ સાથે મારી રોહિત શેટ્ટી સાથે કામ કરવાની ઈચ્છા પૂરી થઈ છે.
જો કે અભિનેતા રોહિત શેટ્ટી ્ને તેની સાથે પોતાની પ્રશંસા કરતાં થાકતો નથી. તે કહે છે કે રોહિત શેટ્ટી દર્શકોની નાડ સારી રીતે પારખે છે. તેમની ફિલ્મોના સંવાદો દર્શકોના ગળે શીરાની જેમ ઉતરી જાય છે. તેઓ દર્શકોના બહોળા વર્ગને મનોરંજન પૂરું પાડવા સક્ષમ છે. તેમનામાં આટઆટલી આવડત હોવા છતાં તેઓ અત્યંત નમ્ર છે.
રણવીર વધુમાં કહે છે કે મેં તેમને ઘણી વખત કહ્યું હતું કે હું તેમની સાથે કામ કરવા માગું છું. પરંતુ જ્યાં સુધી તેમને ખાતરી ન થઈ કે હું તેમનું ધાર્યું કામ આપીશ ત્યાં સુધી તેમણે મને તક નહેોતી આપી. મારી સંજય લીલા ભણશાળી સાથેની ‘ગોલિયોં કી રાસલીલા- રામલીલા’ (૨૦૧૩) , ‘બાજીરાવ મસ્તાની (૨૦૧૫) અને ‘પદ્માવત’ (૨૦૧૮) રજૂ થઈ. ત્યારે તેમણે મને પોતાની ફિલ્મમાં લીધોે. ખાસ કરીને ‘બાજીરાવ મસ્તાની’ માં મારું કામ જોયા પછી તેમને મારા ઉપર ભરોસો બેઠો. રણવીર સિંહ માને છે કે તેની કારકિર્દીમાં જે મહત્ત્વના વળાંકો આવ્યા તે સંજય લીલા ભણશાળીની ફિલ્મોને કારણે.
અભિનેતા કહે છે કે ‘પદ્માવત’ પછી તો હું તેની જાદુઈ અસરની અનુભૂતિ કરી રહ્યો છું. કારણ કે તેમાં મેં ‘અલ્લાઉદ્દીન’ નું જે પાત્ર ભજવ્યું છે એવી ભૂમિકા મારી પેઢીના કોઈ કલાકારો નથી ભજવી. તેને કારણે મારી વ્યવસાયિક કારકિર્દી ઝપાટાભેર ઊંચકાઈ. મારું મહેનતાણું પણ વધ્યું.
વાસ્તવમાં આ બધાનો યશ સંજય લીલા ભણશાળીને ફાળે જ જાય છે. તે વધુમાં કહે છે કે વર્ષ ૨૦૧૦માં મેં ‘બેન્ડ બાજા બારાત’થી મારી કારકિર્દી શરૂ કરી ત્યાર બાદ ‘લૂટેરે’ , ‘રામ લીલા….’, ‘દિલ ધડકને દો’, ‘બાજીરાવ મસ્તાની’ , ‘પદ્માવત’ અને ‘સિમ્બા’ જેવી ફિલ્મો સતત મારું સ્થાન ઉપરને ઉપર લેતી ગઈ.
આ પેઢીના અભિનેતાઓમાં રણબીર કપૂર, વરુણ ધવન, ટાઈગર શ્રોફ, આયુષમાન ખુર્રાના, રાજકુમાર રાવ, વિકી કૌશલ, રણવીર સિંહ જેવા બધા જ કલાકારોએ પોતાના ગજબનાક હુન્નરનો પરચો બતાવ્યો છે. રણવીર સિંહ પણ તેમની પ્રશંસા કરવામાં પાછીપાની નથી કરતો.
તે કહે છે કે આ બધા કલાકારોમાંથી કોણ ચડે એ કહેવું મુશ્કેલ થઈ પડે. અલબત્ત, મારે કોઈને માટે ખાસ ટિપ્પણી કરવી પણ ન જોઈએ. પરંતુ રણબીરે ‘સંજુ’ માં, વરૂણે ‘ઓક્ટોબર’ અને ‘સુઈધાગા મેડ ઈન ઈન્ડિયા’ માં ગજબનું કામ કર્યું હતું. તેવી જ રીતે ટાઈગર એક્શન દ્રશ્યો અને ડાન્સ કરવામાં એક્કો છે. વાસ્તવમાં આ બધા કલાકારોએ પોેતાના રોેલ બખૂબી નિભાવ્યાં છે.
અભિનેતામાં ઊર્જાનો ભંડાર ભરેલો છે એમ કહીએ તો તે વધારે પડતું નહીં ગણાય. તેના ફિલ્મ સર્જકો અને સહકલાકારો પણ આ વાત માને છે. તેઓ કહે છે કે જે લોકો રણવીર સાથે કામ કરે તેમનામાં પણ નવી ઊર્જાનો સંચાર થવા લાગે છે. આનુ કારણ આપતાં રણવીર કહે છે કે હું મારું કામ એકદમ ઉત્સાહ સાથે કરું છું. ચાહે મારો કોઈપણ રોલ હોય. મારા મતે તમારે તમારું દરેક કામ એકસમાન ઉત્સાહથી કરવું જોઈએ.
રણવીર સિંહના મતે ૨૦૧૮નું વર્ષ તેના જીવનમાં ખુશીઓની હારમાળા લઈને આવ્યું હતું. કારકિર્દી ક્ષેત્રે ગજબની સફળતા મેળવવા સાથે વ્યક્તિગત જીવનમાં પણ તે દીપિકા જેવી ટેલેન્ટેડ, સમજદાર, સૌંદર્યની મૂર્તિ જેવી યુવતીને જીવનસંગિની તરીકે પામ્યો. આ વર્ષ તેના જીવનમાં ઘણાં મહત્ત્વના વળાંકો લઈને આવ્યું હતું. અને હવે તે દીપિકા સાથે પોતાનો સંસાર આનંદથી ચલાવવા સાથે કબીર ખાનની ‘૮૩’ અને કરણ જોહરની ‘તખ્ત’ માં કામ કરવા ઉત્સુક છે.