અક્ષય કુમારની એક દેશભક્ત તરીકેની ઇમેજ રહી છે. તે દેશભક્તિની ભાવના જગાવતી ફિલ્મ્સ કરે છે અને સાથે જ શહીદોના પરિવારોને મદદ કરવા માટે પણ આગળ આવે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં અક્ષયને પૂછવામાં આવ્યું હતું કે, તે છેલ્લા કેટલાક સમયથી દેશભક્તિની ભાવના જગાવતી તેમજ સમાજના મુદ્દાઓ પર આધારિત ફિલ્મ્સ વધુને વધુ કરી રહ્યો છે તો એનું ખરું કારણ એ છે કે, તે ઇન્ડિયન પોલિટિક્સમાં કરિઅર બનાવવા ઇચ્છે છે. જોકે, અક્કીએ તરત જ પોલિટિક્સમાં જોડાવાની શક્યતા ફગાવી દીધી હતી.
અક્ષય કુમારે કહ્યું હતું કે, ‘પોલિટિક્સ મારા એજન્ડમાં બિલકુલ નથી. હું ફીલ કરું છું કે, હું જે ફિલ્મ્સ દ્વારા કરી રહ્યો છું એ હું પોલિટિક્સ મારફત ક્યારેય નહીં કરી શકું. મેં ‘ટોઇલેટ: એક પ્રેમ કથા’ અને ‘પેડમેન’ કર્યા બાદ ઘણા ફેરફારો આવ્યા હતા. હવે લોકો જાહેરમાં સેનિટરી પેડ્ઝ અને મેન્સ્ટ્રુએશન વિશે વાત કરે છે. સિનેમા કે થીએટરનો પાવર અકલ્પનીય છે.’

