ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ના મેકર્સે થોડા સમય પહેલાં જ દેશના વડાપ્રધાનના જીવન પર આધારિત બાયોપિક બનાવવાની જાહેરાત કરી હતી. જોકે, એના ફક્ત બે જ મહિનામાં આ ફિલ્મની રિલીઝની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મના સેટ્સ પરથી બિહાઇન્ડ ધ સીન્સના કેટલાક ફોટોગ્રાફ્સ આપણને જોવા મળ્યા છે. સાથે જ આ ફિલ્મની કાસ્ટને એક પછી એક ઇન્ટ્રોડ્યૂસ કરવામાં આવી હતી. આ બાયોપિકમાં વિવેક ઓબેરોય પીએમ મોદી તરીકે જોવા મળશે.
આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોનારી વ્યક્તિઓને ગઈ કાલે બિગ સરપ્રાઇઝ મળી હતી. વાસ્તવમાં ઓમંગ કુમાર દ્વારા ડિરેક્ટેડ આ બાયોપિકની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ બાયોપિક આ વર્ષે 12મી એપ્રિલે રિલીઝ થશે. ચોક્કસ જ આ જાહેરાતથી અનેક ટ્વિટર યૂઝર્સને શોક લાગ્યો હતો. કેમ કે, લોકસભાની ચૂંટણીના વખતે જ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.
એક ટ્વિટર યૂઝરે સૌથી ફની રિએક્શન આપ્યું હતું કે, ‘પિક્ચર હૈ યા મેગી, દો મિનિટ મેં રેડી?’
આ બાયોપિકમાં સામાન્ય પરિવારમાં જન્મથી ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યાંથી આગળ વધીને દેશના વડા પ્રધાન બનવા સુધીની નરેન્દ્ર દામોદરદાસ મોદીની જર્ની રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ માટે અમદાવાદ, ભૂજ, ઉત્તરાખંડ અને મુંબઈમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના ફર્સ્ટ લૂક પોસ્ટરને 23 ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું હતું.