ન્યુઝીલેન્ડમાં આવેલ મસ્જિદમાં થયેલી ક્રૂર આતંકવાદી દ્વારા ગોળીબારની ઘટનાના વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાતો ઉઠી રહ્યા છે. ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ ઘટનાને દુઃખદ ગણાવી હુમલામાં અસરગ્રસ્ત ગુજરાતી પરિવારોને સહાય-મદદ માટે સરકારની કટિબધ્ધતા દર્શાવી છે. આ ઘટના સંદર્ભે રાજયના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ ન્યુઝીલેન્ડ ખાતેના ભારતીય હાઈકમિશનરના સતત સંપર્કમાં રહી ઘટનામાં અવસાન પામેલા અને ઈજાગ્રસ્તોના પરિવારોને જરૂરી મદદ પહોંચાડવા તેમને અનુરોધ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ આ ઘટનામાં પ્રભાવિત થયેલા અને ન્યુઝીલેન્ડમાં વસવાટ કરતા ગુજરાતી પરિવારોની સલામતી-સુરક્ષા પ્રબંધ અંગે તથા ઈજાગ્રસ્તો કે મૃત્યુ પામેલા વ્યકિતઓના કુટુંબીજનો ન્યુઝીલેન્ડ જવા ઈચ્છતા હોય તો વિઝાની ઝડપી કાર્યવાહીમાં મદદરૂપ થવા રાજયના વરિષ્ઠ સચિવોને સુચનાઓ આપી છે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજયના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.એમ. તિવારી ન્યુઝીલેન્ડ ખાતેના ભારતીય હાઈકમિશનર સંજીવ કોહલીના સતત સંપર્કમાં છે.

