ન્યૂઝીલેન્ડના પીએમ જેસિન્ડા એર્ડર્ન હિજાબ પહેરીને મસ્જિદના પીડિત પરિવારોને મળ્યા, ૨૪ કલાકમાં બીજી પત્રકાર પરિષદ યોજી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા એર્ડર્ન શનિવારે મસ્જિદ હુમલાના પીડિતોને મળ્યા ત્યારે તેમણે હિજાબ પહેર્યું હતું. બાદમાં ૨૪ કલાકની અંદર જ બીજીવાર પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, બ્રેન્ટન ટેરંટ દ્વારા મસ્જિદમાં ઘૂસીને મોટાપાયે હત્યાકાંડ આચર્યા બાદ હવે સમય આવી ગયો છે કે, દેશના ગનના કાયદાને બદલવામાં આવે. બ્રેન્ટન દ્વારા શુક્રવારે જુમ્માની નમાઝ પઢી રહેલા ૪૯ નમાઝીઓને ગોળીઓથી વીંધી શહીદ કર્યા હતા. એર્ડર્ને કહ્યું કે, ઓસ્ટ્રેલિયન નાગરિક ટેરંટ પર આતંકવાદી કૃત્ય કરવાની કબૂલાત બદલ હત્યાનો આરોપ ઘડાયો છે. ટેરંટે બે સેમી ઓટોમેટિક હથિયારો, બે શોટગન અને લીવર એક્શન ફાયર આર્મ સહિત પાંચ હથિયારોનો ઉપયોગ કર્યો હતો.

એર્ડર્ને કહ્યું કે, ૨૦૧૭માં તેણે તમામ હથિયારોના લાયસન્સ લીધા હતા. તેનાથી સાબિત થાય છે કે, તેણે ૨૦૧૭માં આ હથિયાર લીધા હશે તેથી આતંકવાદી હુમલા માટે તેને કોઇ વોચલિસ્ટમાં રાખ્યો ન હોય તેવું બની શકે છે. તેમણે કહ્યું કે, હું એક વાત સ્પષ્ટ રીતે કહી શકું છું કે, દેશમાં ગનનો કાયદો બદલાશે. તેમણે એવું પણ કહ્યું કે, ૨૦૦૫, ૨૦૧૨ અને ૨૦૧૭માં દેશના ગન કાયદાને બદલવા માટે પ્રયાસ થયા હતા અને હવે તેનો સમય આવી ગયો છે. જોકે, એ સવાલ ચોક્કસ છે કે, આ વ્યક્તિ અમારા દેશમાં કેવી રીતે પ્રવેશી અને આતંકવાદી કૃત્ય કર્યો. તેમણે ઉમેર્યું કે, તેમણે ઓફિશિયલ કમિટી ફોર ડોમેસ્ટિક એન્ડ એક્સટર્નલ સિક્યુરિટી કોઓર્ડિનેશનને ઓસ્ટ્રેલિયા સાથેના હથિયાર સંબંધો, સરહદી અંકુશો, માહિતીનું આદાન-પ્રદાન સહિત અનેક સુરક્ષા બાબતોનો રિપોર્ટ તૈયાર કરવા કહ્યું છે જે સોમવારે તૈયાર કરવામાં આવશે. એર્ડર્ને કહ્યું હતું કે, મસ્જિદમાં આતંકવાદી હુમલા દરમિયાન મહિલાઓ અને બાળકો પણ શહીદ થયા હતા.