આંતરરાષ્ટ્રીય બજારમાં માલનો ભરાવો થતા દેશમાંથી કૃષિ કોમોડિટીઝની નિકાસમાં વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં ૪૬ ટકાનો ઘટાડો થયો છે. કૃષિ માલોની નિકાસ ઘટી જતાં ઘરઆંગણે કૃષિ જણસોના ભાવમાં ઘટાડો થવાની ટ્રેડરોને અપેક્ષા છે. આ ધારણાંએ ટ્રેડરો હાલમાં નવો માલ ખરીદવાથી દૂર રહે છે. એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડકટસ એકસપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (અપેડા)ના આંકડા પ્રમાણે, દેશની ઘઉંની નિકાસ એપ્રિલથી ડિસેમ્બરના નવ મહિનામાં ઘટીને ૧૩૫૨૮૪ ટન રહી હતી જેનું મૂલ્ય ૩.૫૦ કરોડ ડોલર રહ્યું હતું. નાણાં વર્ષ ૨૦૧૭-૧૮ના આ ગાળામાં ઘઉંની નિકાસ ૨૪૯૭૦૨ ટન રહી હતી જેનું મૂલ્ય ૭.૨૦ કરોડ ડોલર રહ્યું હતું. નોન-બાસમતિની નિકાસ પણ વોલ્યુમની દ્રષ્ટિએ ૧૪ ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ ૧૬.૪૦ ટકા ઘટી હતી. બાસમતિ, મગફળી અને તાજા ફળોની નિકાસ પર પણ અસર જોવા મળી હોવાનું અપેડાના આંકડા પરથી જાણી શકાય છે.

