ઉન્નાવમાં એક રેપ પીડિતાને તેના પર રેપ કરનારા આરોપીઓએ જ જીવતી સળગાવી દીધી હતી. પીડિતા 90 ટકા સળગી ગઇ છે અને હાલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તડપી રહી છે. તેણે પોતાના ભાઇને કહ્યું હતું કે મારે જીવવું છે, હું મરવા નથી માગતી, દોષિતોને બિલકુલ છોડતા નહીં.
બીજી તરફ હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે યુવતીની સ્થિતિ અતી ગંભીર છે અને તેને વેન્ટીલેટર પર જ રાખવામાં આવી છે. પીડિતાને જ્યારે સળગાવવામાં આવી ત્યારે આસપાસ તેને બચાવવા કોઇ જ નહોતુ, તે એક કિમી સુધી સળગતી અવસ્થામાં જ દોડતી રહી.
બાદમાં અંતે પડી ગઇ હતી. બાદમાં ખુદ યુવતીએ જ પોલીસને ફોન કર્યો હતો અને સમગ્ર સ્થિતિ અંગે જાણ કરી હતી. ઘટના સામે આવ્યા બાદ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે અને મહિલા સુરક્ષાની વાતો કરનારી સરકાર પર આરોપો લગાવ્યા હતા.
યુવતીના કાકાએ જણાવ્યું હતું કે ચાર દિવસ પહેલા જ અમને અને પીડિતાને ધમકી મળી હતી અને કહ્યું હતું કે મામલો પુરો કરી દો નહીં તો ભત્રીજીને જીવતી સળગાવી દઇશું. જ્યારે રેપ પીડિતાની બહેને માગણી કરી છે કે જે રીતે હૈદરાબાદમાં આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં માર્યા હતા તેવી જ રીતે આ કેસમાં આરોપીઓને પણ રસ્તા વચ્ચે જ ગોળી મારીને ન્યાય કરાવો.
નોંધનીય છે કે 2018માં રેપ થયો હતો પણ આ વર્ષે જ પોલીસે કાર્યવાહી કરી અને સમગ્ર મામલે આરોપીઓને ધરપકડ કરી લીધી હતી પણ જામીન પર છુટી ગયા હતા. જામીન પર છુટેલા આ આરોપીઓએ યુવતીની હત્યા કરવાના ઇરાદાથી જ સળગાવી હતી. હાલ પીડિતાની સ્થિતિ અતી ગંભીર છે અને તેને વેન્ટીલેટર પર જ રાખવામાં આવી છે. એસઆઇટીને તપાસ સોપવામાં આવી છે જે અલગ અલગ એંગલને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.