ચોથી વખતના ગોવાના મુખ્યમંત્રી બનેલા વરિષ્ઠ ભાજપ નેતા મનોહર પર્રિકરે રવિવારે સાંજે 6.40 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. સોમવારે સાંજે 5 વાગે કેંપલમાં આવેલા એસએજી મેદાનમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કેન્દ્રએ સોમવારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તેઓ પેંક્રિયાટિક કેન્સરથી પીડિત હતા. રાતે 8 વાગ્યે તેમના નિધનના સમાચાર આવ્યા હતા. પર્રિકરને કેન્સરની જાણ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી. ત્યાર પછી તેમણે ગોવા, મુંબઈ, દિલ્હી અને ન્યૂયોર્કમાં સારવાર કરાવી હતી. પર્રિકરનો પાર્થિવ દેહ સોમવારે સવારે 9.30થી 10.30 સુધી પણજીના ભાજપ કાર્યાલયમાં રાખવામાં આવશે. ત્યારપછી તેમના દેહને કલા એકેડમી લાવવામાં આવશે અને સાંજે 4 વાગ્યા સુધી સામાન્ય જનતા તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે.
