ગુજરાતમાં કાળઝાળ ગરમી સાથે પાણીની સમસ્યા પણ વિકટ બની રહી છે. જેની ગંભીર અસર કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છે. ગુજરાત જળ સંપત્તિના આંકડા પર નજર કરીએ તો રાજ્યના કુલ 203 જળાશયોમાંથી 177 જળાશયોમાં 25 ટકાથી પણ ઓછા પાણીનો સંગ્રહ છે. જ્યારે 19 જળાશયોમાં 25થી 50 ટકા, 5 જળાશયોમાં 50થી 70 ટકા, 2 જળાશયોમાં 70થી 100 ટકા પાણીનો સંગ્રહ છે. આમ કુલ 203 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિનો 20.65 ટકા પાણીનો સંગ્રહ છે. જેથી હવે ગુજરાતની 6.50 કરોડ જનતાને એક મહિના માટે માત્ર 20 ટકા પાણીનો સંગ્રહ છે. સરદાર સરોવર ડેમમાં 51.65 ટકા પાણીનો સંગ્રહ હોવાથી હવે ગુજરાતની પ્રજા માત્ર નર્મદા ભરોસે હોય તેમ કહી શકાય છે.
પાણી મામલે બનાસકાંઠા અને કચ્છની રૂબરૂ મુલાકાત લઈશ: રૂપાણી
પાણીની સમસ્યાના લીધે કચ્છ અને બનાસકાંઠા સુકાભઠ્ઠ બની ગયા છે. દિવ્ય ભાસ્કરે કચ્છ અને બનાસકાંઠાનો ગ્રાઉન્ડ રિપોર્ટ આપતા સરકારમાં ઘેરા પડઘા પડ્યા છે. મુખ્યમંત્રીએ પણ આ અહેવાલ પરથી તાગ મેળવતા પાણીની કેટલી હાડમારી છે તે જાહેરમાં કબૂલી છે. રાજકોટમાં કાર્યક્રમમાં આવેલા વિજય રૂપાણીને પાણી સંદર્ભે પ્રશ્ન કરાતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં પીવાના પાણીની તંગી નહીં થવા દેવાય આ માટે આયોજન ઘડી કાઢ્યું છે. પાણી મામલે સૌથી વધુ અછતગ્રસ્ત વિસ્તાર કચ્છ અને બનાસકાંઠા અને કચ્છના ખાવડા અને લખપત ગામની મુલાકાત લેવાનો છું.મુખ્યમંત્રીએ આયોજન વિશે કહ્યું હતું કે, સરદાર સરોવર ડેમ એટલે નર્મદામાં પાણીનો પૂરતો જથ્થો છે અને તે દૂરના વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે.
બનાસકાંઠાના ડેમોના તળિયા દેખાયા
બનાસકાંઠામાં ત્રણ ડેમ હોવા છતાય લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે. દાંતીવાડા, સિપુ અને મુક્તેશ્વર ડેમના તળિયા દેખાતા 150 જેટલા ગામોને ગંભીર અસર થઇ રહી છે. હાલ બનાસકાંઠાના 60 જેટલા ગામો પાણીના ટેન્કર પર નિર્ભર છે. દાંતીવાડામાં 7.38 ટકા, સિપુમાં 8.62 ટકા જ્યારે મુક્તેશ્વર ડેમમાં 14.34 ટકા જ પાણીનો સંગ્રહ છે, જેથી આવનાર સમયમાં પીવાના પાણીની સ્થિતિ સર્જાઈ શખે છે, જેથી સમગ્ર બનાસકાંઠામાં મોટું જળસંકટ સર્જાયું છે.