કોરોના સંક્રમણ વિરુદ્ધ લડાઈમાં કેન્દ્ર અને રાજ્યન સરકારોથી લઈને દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી રહી છે. એવામાં રાજકીય દળોના નેતા પણ એકબીજા સાથેના મતભેદો ભૂલીને એકસાથે મળીને કોરોના સામે લડી રહ્યા છે. દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષ અને રાજ્ય આપદા કોષમાં 5-5 લાખ રૂપિયા આપ્યા છે.
રસપ્રદ વાત એ છે કે, મમતા બેનર્જી ના તો ધારાસભ્ય તરીકે સેલરી લે છે અને ના કોઈ પ્રકારનું પેન્શન લે છે. તેમ છતા તેમણે જે પૈસા પોતે બચત તરીકે રાખ્યા હતા, તેમાંથી રાહત કોષમાં આપ્યા છે. મમતા બેનર્જીએ પોતે ટ્વીટ કરીને કહ્યું છે, હું પોતાના સીમિત સંશાધનોમાંથી જ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ (પીએમ-કેયર્સ)માં પાંચ લાખ રૂપિયા અને રાજ્ય આપદા રાહત કોષમાં પાંચ લાખ રૂપિયાનું યોગદાન આપી રહી છું.
CM મમતા બેનર્જીએ કહ્યું છે કે, તેમની કમાણીનો મુખ્ય સ્ત્રોત તેમના રચનાત્મક કાર્યો છે. તેમને બુક્સ અને મ્યુઝિકની રોયલ્ટીમાંથી જે પૈસા મળે છે, એ જ તેમની કમાણીનો સ્ત્રોત છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે, કોરોના વાયરસ વિરુદ્ધ દેશની જંગમાં તેઓ પોતાની તરફથી 10 લાખનું યોગદાન આપી રહ્યા છે. સાથે જ કહ્યું કે તેઓ ધારાસભ્ય અથવા મુખ્યમંત્રી તરીકે કોઈ સેલરી નથી લેતા. સાતવાર સાંસદ રહેવા છતા મેં પેન્શન ત્યાગી દીધુ છે.
કોરોના વાયરસ સામે લડવામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સંપૂર્ણરીતે તૈયાર છે. સાથે જ તેઓ પોતાના રાજ્યના લોકોને જાગૃત કરવા માટે વિવિધ જગ્યાઓ પર રસ્તા પર ઉતરીને તેમને માહિતી આપી રહ્યા છે સાથે જ રાજ્યમાંથી બહાર ફસાયેલા લોકોને બચાવવા માટે કવાયદ કરી રહ્યા છે.

