પીએમ મોદીએ નોબેલ વિજેતા અભિજીત સાથે મુલાકાત કરી , કહ્યું – માનવતાને સશક્ત બનાવવામાં તમારું પ્રદાન સરહાનીય

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અર્થશાસ્ત્રમાં નોબેલ વિજેતા અભિજીત બેનરજીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. ‘વૈશ્વિક ગરીબીને હટાવવા માટેના પ્રયોગ’ પર શોધ કરવાથી ભારતીય મૂળના અમેરિકન અભિજીત બેનરજીને તાજેતરમાં જ નોબેલ પ્રાઈઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અભિજીત બેનરજી સાથે મુલાકાત કર્યા અંગેની જાણકારી વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આપી છે. એસ્થર ડુફ્લો અને માઈકલ ક્રેમરની સાથે સંયુક્ત રીતે બેનરજીને આ નોબેલ પ્રાઈઝ મળ્યું છે. નોંધનીય છે કે એસ્થેર ડુફ્લો તેમની પત્નીનું જ નામ છે.

વડાપ્રધાન મોદીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર બેનરજી સાથે થયેલી મુલાકાત વિશે જણાવતા કહ્યું કે, ‘નોબલ વિજેતા અભિજીત બેનરજી સાથેની મુલાકાત ખૂબ જ શાનદાર રહી. માનવ સશક્તિકરણ માટે તેમનામાં એક અલગ જ ઝનુન જોવા મળ્યું હતું. અમારી વચ્ચે અલગ-અલગ ઘણા મુદ્દાઓ વિશે વાતચીત થઈ હતી. તેમને મળેલી આ સિદ્ધિ માટે ભારતને તેમના પર ગર્વ છે. હું તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું.’