વિદેશી નાગરિકો અને તેમાં પણ ખાસ કરીને યુકે-યુએસએના સિનિયર સિટિઝનો સાથે છેતરપિંડી કરવાના આંતરરાષ્ટ્રીય કૌભાંડ માટે અમદાવાદ મોકળું મેદાન બની રહ્યું છે. અમદાવાદ અને રાજ્યના અન્ય સ્થળોના લવરમૂછિયા યુવકો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસપુત્રો અને રાજકીય નેતાઓ સહિતના મોટા માથા ભેગા મળી સુવ્યવસ્થિત રીતે કોલ સેન્ટર શરૂ કરીને વિદેશી નાગરિકોને લૂંટી રહ્યા છે. અમદાવાદમાં એકાદ નહીં પરંતુ એક ડઝનથી વધુ આવા કોલ સેન્ટર ધમધમી રહ્યા છે. તેમાં કામ કરતા યુવાનો તો આ મોડસ ઓપરેન્ડીથી કરોડો રૂપિયા કમાઈ જ રહ્યા છે પરંતુ સાથે-સાથે પોલીસ બેડામાં પણ આ માટે કરોડો રૂપિયાનું હપ્તાનું નેટવર્ક ગોઠવાયેલું છે જેનો હિસ્સો રાજકીય નેતાઓ સુધી પણ પહોંચે છે.

