આપણી ન્યાયિક પ્રણાલિની કઠણાઈ કહો કે પછી ભવિષ્યમાં ‘ભરાઈ’ ન જવાની માનસિકતા… પરંતુ હકીકત તો એ છે કે, આપણા સગા ભાઈના કોર્ટ કેસમાં જ્યાં જામીનદાર થવાની વાત આવે તો આપણા હાંજા ગગડી જાય છે. આવામાં જો તમને માત્ર 200-500 રૂપિયામાં તૈયાર જામીનદાર મળી જાય તો..? જી હા, માત્ર 500 રૂપિયામાં જામીન તૈયાર. અમદાવાદ અને રાજકોટની કોર્ટના સંકુલમાં તો આવા રેડીમેડ જામીનદારની રીતસર હાટડીઓ લાગે છે. નવાઈની વાત તો એ છે કે, આ જામીનદારો ભલે ભણેલા-ગણેલા નથી હોય પરંતુ તેમને કાયદાની અને ઈપીકોની બધી કલમ મોઢે હોય છે. કોઇ વ્યક્તિને જામીનદાર ન મળતો હોય તો આવા રેડીમેડ જામીનદારો કોર્ટના સંકુલમાં બેઠા જ હોય છે. દિવ્યભાસ્કરે આવા જામીનદારોને શોધવા સ્ટીંગ ઓપરેશન કર્યું હતું. આ સ્ટીંગ દરમિયાન અમદાવાદની મેટ્રો કોર્ટ અને તેની સાથે રાજકોટ મોચીબજારમાં આવેલી દિવાની અને ફોજદારી કોર્ટમાં બ્રોકરોના માધ્યમે જામીનદારો આખો દિવસ ફરતા જ રહે છે. ઘણી વાર તો એવું બને છે કે એક જ જામીનદાર અલગ-અલગ કેસમાં એક જ જજની કોર્ટમાં એક દિવસમાં જ એક કરતા વધુ વખત હાજર થાય છે. આમ છતાં જામીનદારોનું આ કૌભાંડ ચાલતું જ રહે છે. મઝાની વાત તો એ છે કે કોર્ટ સંકુલમાં તમે કોઈ ફેરિયા કે ખૂમચાવાળાને પૂછો તો પણ તે આવા બોગસ જામીનદારોના ઠેકાણા દેખાડી દે છે.

