ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટ ઉપર કરવામાં આવેલા એર સ્ટ્રાઇકનો વડોદરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર પ્રત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાના મુદ્દે હોબાળો મચી ગયો છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે વડોદરાના ચૂંટણી અધિકારી સમક્ષ આદર્શ આચારસંહિતાના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ઋત્વિક જોષીના નેતૃત્વ હેઠળ એક પ્રતિનિધિમંડળ આજે વડોદરા લોકસભાના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલને મળ્યુ હતુ. તેમણે આપેલી ફરીયાદમાં જણાવ્યુ હતુ કે, વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ચુંટણી પ્રચારની પત્રિકામાં એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો છે. ચૂટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ પડેલ છે. જેનો તમામ રાજકીય પક્ષોએ ફરજિયાતપણે અમલ કરવો જ જોઇએ. ચુંટણી પંચ તરફથી આચારસંહિતના અમલીકરણ અંગે સૂચનાઓ અને માર્ગદર્શન વખતો વખત આપવાાં આવતી હોય છે. તે મુજબ જ રાજકીય પક્ષોએ કામગીરી કરવાની રહેતી હોય છે.
