ગુજરાત આગની ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું: તાપમાન 42 ડિગ્રી

ગુજરાત

ગુજરાતમાં અચાનક આકરા ઉનાળાના પ્રારંભ સાથે અનેક જિલ્લાઓમાં પારો 42 ડિગ્રી ઉપર સુધી પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમરેલીમાં 42.5, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 42, ભુજમાં 41.8, વડોદરામાં 41.6, રાજકોટમાં 41.3 જ્યારે જૂનાગઢમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી ઊંચુ રહયું હતું. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાં ગુરૂવારથી તીવ્ર હિટવેવની સ્થિતિ જોવા મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાંથી અચાનક શિયાળાની ઋતુએ વિદાય લેતા એકાએક ગરમીમાં વધારો થતાની સાથે જ અચાનક જ ઊંચા તાપમાનથી લોકો સેકાયાં હતા. ડીસામાં 40.8, સુરતમાં 40.6, ગાંધીનગરમાં 40 ડિગ્રીની કાતિલ ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા.

ગુજરાતમાં હજુ આગામી બે દિવસમાં હિટવેવની ચેતવણી હવામાન ખાતાએ આપતા જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના ખાસ કરીને વલસાડમાં ગરમીનો પારો ઊંચો રહેશે. ઉપરાંત ભાવનગરમાં પણ ગરમીની તીવ્રતા અનુભનાશે. શહેરી વિસ્તારોમાં લોકો બપોરના સમયે પંખા અને એસીનો ભરપૂર ઉપયોગ શરૂ કરી દીધો છે. જ્યારે ગ્રામ્યકક્ષાએ લોકોએ લીલા ઝાડનો આશરો લઈ ગરમીમાં રાહત મેળવવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન વધી જતા મનપા દ્વારા લોકોએ બહારની ચીજવસ્તુઓ ખાવાનું ટાળવાની સૂચના આપી આવી હતી. આમ અચાનક ગરમીનો પારો વધવાથી લોકોમાં પાણીજન્ય રોગચાળો વકરવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ગરમીમાં રાહત મેળવવા લોકો લીંબુપાણી અને દહીં-છાસનો આશરો લઈ રહ્યા છે.