રાજ્યમાં ચૂંટણી જાહેર થયા બાદ 49,458 હથિયારો પોલીસમાં જમા

ગુજરાત

ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જણવાય તે માટે ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે રાજ્યભરમાંથી 56,925 પરવાનેદાર હથિયાર ધારકોમાંથી 49,458 જેટલા હથિયારો ચૂંટણી જાહેર થયા બાદ પોલીસ સ્ટેશનોમાં જમા કરાવવામાં આવ્યા છે તેમજ રાજ્યમાં તકેદારીના ભાગરૂપે 33,431 બિનજામીન પાત્ર વોરન્ટ બજાવવામાં આવ્યા હતા. જ્યારે 1,12,305 વ્યક્તિઓ સામે વિવિધ સીઆરપીસી એક્ટ હેઠળ પગલાં લેવામાં આવ્યા હતા.

લોકસભાની ચૂંટણીની જાહેરાતથી જ આચારસંહિતા અમલમાં આવી ગઈ હતી ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં જિલ્લાકક્ષાએ તંત્રને સજ્જ કરાયું હતું. દરેક જિલ્લામાં ચૂટણીખર્ચના એક નોડલ અધિકારી અને વિવિધ ટીમની રચના કરવામાં આવી હતી. ચૂંટણી જાહેરનામાની તારીખથી સમગ્ર રાજ્યમાં 639 સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને 208 મદદનીશ ખર્ચ નિરીક્ષકની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. રાજ્યમાં કુલ 91,355 જાહેરખબરોના પોસ્ટરો, બેનરો, દીવાલો પરના લખાણો, જાહેર ઈમારતો પરથી દૂર કરવામાં આવ્યા હતા તેમજ 18,423 જાહેરખબરોના પોસ્ટરો, બેનરો, દીવાલો પરના લખાણો, ખાનગી ઇમારતો પરથી દૂર કરવામાં આવ્યા હતા. ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલા વિવિધ ટીમ અને વિભાગ દ્વારા કુલ રૂ. 4.90 કરોડનો 1.81 લાખ લીટર દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે આવકવેરા વિભાગ દ્વારા રૂ. 1.03 કરોડ રોકડ જપ્ત કરવામાં આવી હતી. જેમાં સુરતમાંથી રૂ. 44.70 લાખ અને અમદાવાદમાંથી રૂ. 58.30 લાખ જપ્ત કરવામાં આવ્યા હતા.