મહેસાણા-પાટણ બેઠકો બરોબરનો પરસેવો પડાવી રહી છે : નીતિન પટેલને મનાવવા પ્રયાસો

ગુજરાત રાજકીય

લોકસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોની દોડધામ વધી ગઈ છે. તેમાંય ઉમેદવારીપત્રકો ભરાવવાનો પ્રારંભ થઈ જવા છતાં કેટલીક બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં વિરોધના વંટોળ વચ્ચે બરોબરનો પરસેવો પાડવો પડી રહ્યો છે. ભાજપ માટે પણ આ વખતે ઉમેદવારો સારી એવી કસરત કરાવી રહ્યા છે. પોરબંદર અને પંચમહાલમાં ભારે વિરોધને પગલે અન્ય બાકી બેઠકો માટે ભાજપ સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યું છે. મહેસાણા બેઠક માટે બરોબરની ગૂંચ ઉભી થઈ છે. જયશ્રીબેનને રિપીટ ના કરાય તો અન્યમાં ડો. અનિલ પટેલ તથા સરકારી અધિકારી એમ.એસ. પટેલનું નામ આગળ છે તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ ચૂંટણીમાં ઉભા રાખવા સમજાવાઈ રહ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

એ જ રીતે પાટણ, છોટાઉદેપુર, સુરત, જૂનાગઢ વગેરે બેઠક માટે પણ કવાયત ચાલુ છે. રાજ્યમાં હાલ ભાજપમાં મહેસાણા અને પાટણ લોકસભા બેઠક પરની ગૂંચ યથાવત છે. ભાજપ મહેસાણા બેઠક પરથી લોકસભા લડવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મનાવવાનાં પ્રયાસો કરી રહી છે. નોંધનીય છે કે પ્રદેશ પ્રભારી ઓમ માથુરે નીતિન પટેલને કમલમ ખાતે બોલાવ્યા હતા અને તેમની સાથે બેઠક કરી હતી. જો કે, મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડવા મામલે નીતિન પટેલે સ્પષ્ટતાપૂર્વક હા કે ના કંઇ કહ્યું ન નથી. મંત્રી દિલીપ ઠાકોરે પાટણ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાની ના પાડી છે. નીતિન પટેલને પણ ચૂંટણી લડવા સમજાવી રહ્યાં છે પરંતુ નીતિન પટેલનો હજી ઇન્કાર યથાવત છે.

નીતિન પટેલે ઓમ માથુર સાથેની વાતચીત પછી જણાવ્યું હતું કે, મહેસાણા બેઠક પરથી કોણ લડશે તે પાર્ટી નક્કી કરશે. જોકે બીજી તરફ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નીતિન પટેલને ચૂંટણી લડવા માટે દિલ્હી હાઇકમાન્ડની સૂચના પ્રમાણે ઓમ માથુર નીતિન પટેલને મળ્યાં હતાં. મહેસાણા જિલ્લાની ઊંઝા બેઠકે પણ ભાજપ માટે તકલીફ ઉભી કરી છે. આશા પટેલને કોંગ્રેસમાંથી લાવ્યા પછી ભાજપમાં વિરોધ વકરતા હવે તેમને અહીંથી ઉમેદવારી નહીં કરવાનું કહેવામાં આવ્યું છે.

મહેસાણા સાથે પાટણની બેઠક પણ ભાજપ માટે તકલીફ ઉભી કરી રહી છે કારણ કે ભાજપ પાસે પાટણમાં મજબૂત ઉમેદવાર નથી. આ બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ રહેલું છે. હાલનાં સાંસદ લીલાધર વાઘેલાને રીપિટ કરવાનાં નથી. આ બેઠક પર મંત્રી દિલીપ ઠાકોરને અહીંથી લોકસભા લડાવવા પાર્ટી પ્રયાસ કરી રહી છે. પરંતુ મળતી માહિતી પ્રમાણે દિલીપ ઠાકોર મંત્રીપદ છોડવા તૈયાર નથી. મહેસાણામાં મોટા ભાગે જયશ્રીબેનને રિપીટ કરવાના નથી, ત્યારે તેની સામે જો નીતિન પટેલ તૈયાર ના થાય તો ડો. અનિલ પટેલ અને સરકારી અધિકારી એમ.એસ. પટેલ બેમાંથી કોઈની પસંદગી થઈ શકે તેવી વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે.

એમ.એસ. પટેલ હાલમાં કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ છે અને બનાસકાંઠા તથા સુરતના કલેકટરા પણ રહી ચૂકયા છે. આ ઉપરાંત ઉંઝાની વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાંથી આવેલ ડો. આશાબેન પટેલ માટે કપરાં ચઢાણ છે. સ્થાનિક નેતાઓની નારાજગીને લઈ કાં તો તેઓ પોતે દાવેદારી પાછી ખેંચે અથવા પક્ષ અન્ય ઉમેદવારની વિચારણા કરે તેમ જણાય છે. આ બેઠકની પેટાચૂંટણી માટે પણ અધિકારી એમ.એસ. પટેલને લડાવી શકાય તેમ છે. બીજી તરફ છોટાઉદેપુરમાં રામસિંહ રાઠવા રિપીટ ન કરાય તો ગીતા રાઠવાની ટિકિટ નિશ્ચિત મનાય છે. શંકર રાઠવા પણ રેસમાં છે. સુરતમાંથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડવાના નથી. ત્યારે દર્શના જરદોશને રિપીટ ના કરાય તો નીતિન ભજીયાવાળા સૌથી પ્રબળ દાવેદાર છે.