મોરબીમાં ઠેરઠેર ખડકાયેલા કચરાના ગંજ મામલે લોકો વિફર્યા હતા અને આજે સામાજિક કાર્યકરોએ શહેરમાંથી કચરો એકઠો કરીને આ કચરો પાલિકા કચેરીમાં ઠાલવી દીધો હતો. તેમજ કચરાથી જ સ્નાન કરીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ પ્રશ્નનું નિરાકરણ ન આવે તો આનાથી પણ વધુ જલદ આદોલન કરવાની ચીમકી આપી હતી. મોરબી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નિયમિત સફાઈના અભાવે કચરાની સમસ્યા વકરી ગઈ છે અને સફાઈના અભાવે ઠેરઠેર કચરાના ગંજ ખડકાયા છે. તેથી બેસુમાર ગંદકી ફેલાય રહી છે. મુખ્ય બજારો સહિતના વિસ્તારો આ કચરાના ગંજથી વેપારીઓ સહિતના સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે શહેરીજનોની પ્રાથીમક સુવિધાના પ્રશ્ને લડત ચલાવતા શહેરના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, મુસભાઈ અને જીજ્ઞેશભાઈ પંડયાએ અગાઉ પાલિકા તંત્રને લેખિત રજૂઆત કરીને જો તા. 27 માર્ચ સુધીમાં કચરાના પ્રશ્નનું નિરાકરણ ન આવે તો શહેરભરની કચરાની ગંદકી પાલિકા કચેરીમાં ઠાલવાની ચીમકી આપી હતી. સામાજિક કાર્યકરોએ આ ગંભીર સમસ્યા બાબતે અલ્ટીમેટમ આપ્યું હોવા છતાં દરેક વખતની માફક પાલિકા તંત્રએ હમ નહીં સુધરેંગેની નીતિ બરકરાર રાખી શહેરમાં સફાઈ પ્રશ્ને જરાય ધ્યાન ન આપતા કચરાના ગંજ યથાવત રહેતા સામાજિક કાર્યકરો વિફર્યા હતા અને અગાઉ આપેલા અલ્ટીમેટમ મુજબ સામાજિક કાર્યકરોએ શહેરભરનો કચરો આજે સવારથી લારીમાં એકત્ર કર્યો હતો અને એકઠો કરી પાલિકા કચેરીમાં ઠાલવી દીધો હતો. શહેરભરની ગંદકી પાલિકામાં ઠાલવતા અધિકારોઓ અને કર્મચારીઓ મુસીબતમાં મુકાય ગયા હતા અને ગંદકીથી નાકે રૂમાલ રાખવો પડ્યો હતો. જોકે એકદમ સ્વચ્છ રહેતી પાલિકા કચેરી આ કચરાના ગંજથી ગંદી બની ગઈ હતી.
