અમદાવાદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામતો જાય છે. ત્યારે તમામ સરકારી કર્મચારીઓ-અધિકારીઓ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાઇ ગયા છે. તો બીજી તરફ ચૂંટાયેલા પ્રતિનિધીઓ પણ ચૂંટણી પ્રચારમાં ઉતરી પડયા હોવાથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને ગ્રામપંચાયતો સૂમસામ બની ગઇ છે. તેઓની ગેરહાજરી વચ્ચે પ્રજાલક્ષી તમામ પ્રકારની કામગીરી અટવાઇ પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
આવકના દાખલા, જાતિના દાખલા સહિતના વિવિધ પ્રમાણપત્રો મેળવવા માટે લોકો ફાંફે ચઢ્યા છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો પણ હાલ બંધ જેવી હાલતમાં છે. જેના લીધે ગામડાઓના વિકાસ કામો રોકાઇ ગયા છે.
અનેક ગામોની વિવિધ રજૂઆતો પણ હાલ પેન્ડિંગના લિસ્ટમાં જતી રહેતા ગ્રામજનો મુંઝાયા છે. કોઇપણ કામ માટે સામાન્ય્ માણસ કચેરીએ જાય તો ચૂંટણી પછી વાત એવો જ જવાબ મળી રહ્યો છે.
બીજી તરફ પોસ્ટ ઓફિસના સ્ટાફને પણ ચૂંટણીના કામમાં જોતરી દેવાયો છે. જેથી મોટાભાગની પોસ્ટ ઓફિસમાં સ્ટાફ ઘટ પ્રવર્તી રહી છે. શનિવારે પોસ્ટ ઓફિસના સ્ટાફની તાલીમ હોવાથી તમામ સ્ટાફ ચૂંટણીલક્ષી તાલીમમાં જતો રહેતા પોસ્ટ ઓફિસો પણ સૂમસામ બની હતી. એકલ-દોકલ પટાવાળા કે કલાર્કના ભરોષે પોસ્ટ ઓફિસો છોડી દેવાઇ હતી. જેના કારણે ગ્રાહકોએ ધક્કા ખાવાનો વારો આવ્યો હતો.

