પાકિસ્તાન જાણે છે કે ત્રીજી ભૂલ કરીશું તો આવી બનશે: PM મોદી

મુખ્ય સમાચાર રાજકીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં એક ચૂંટણીલક્ષી રેલીને સંબોધતા પાકિસ્તાનને ફરી અલ્ટિમેટમ આપ્યું છે. તેમણે હુંકાર કર્યો કે હવે પેલી બાજુના લોકોને ખબર પડી ગઇ છે કે ત્રીજી ભૂલ કરીશું તો આવી બનશે. આની સાથે રેલીમાં તેમણે કોંગ્રેસ-બીએસપી-સપા પર આકરા પ્રહારો કર્યા હતા.

પોતાના સંબોધનની શરૂઆત ‘જય ભીમ’ના નારાથી કરતાં મોદીએ ઉમેર્યું હતું કે ‘દુનિયામાં જેમનામાં દમ હોય તેની જ વાત સાંભળવામાં આવે છે. જો માત્ર રડતો હોય છે, તેનું કોઇ સાંભળતું નથી. જે નવા ભારતના નિર્માણનો સંકલ્પ આપણે બધાએ લીધો છે, તે ભારત દમદાર હશે અને અસરદાર પણ હશે.’

મોદીએ ઉમેર્યું કે ‘અગાઉ શું થતું હતું? પાકિસ્તાનથી આતંકીઓ આવતા હતા, અમારે ત્યાં વિસ્ફોટ કરીને જતા રહેતા હતા. કોંગ્રેસ સરકાર અમને અમને માર્યું કહીને દુનિયામાં રડતી હતી. રડતા હતા ન, આજે નવું ભારત છે. હવે આતંકાના આકાઓએ ઉરીમાં ભૂલ કરી તો દેશના વીર જવાનોએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને તેમને ધોળા દિવસે તારા બતાવી દીધા હતા. બીજી ભૂલ પુલવામામાં કરી તો એરસ્ટ્રાઇક કરીને ઘરમાં ઘુસીને માર્યાન હતા. હવે પેલી બાજુવાળાઓને સમજાઇ ગયું છે કે ત્રીજી ભૂલ કરવાની ભૂલ કરી તો આવી બનશે.’

નરેન્દ્ર મોદીએ રવિવારે જમ્મુ અને કાશ્મીરના કથુઆમાં જાહેરસભાને સંબોધી હતી. વિપક્ષની ટીકા કરતાં વડાપ્રધાને જણાવ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં અલગ વડાપ્રધાનની વાત કરીને લોકોને ડરાવી રહ્યા છે. મોદીએ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ઓમર અબ્દુલ્લા પર સીધું નિશાન તાક્યું હતું અને તેમના નિવેદનની ટીકા કરી હતી. કોંગ્રેસને આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવા તેમણે પડકાર ફેંક્યો હતો.

મોદીએ જનસભામાં લોકોને આહ્વાન કર્યું કે રાજ્યના વિકાસ માટે લોકોએ અબ્દુલ્લા અને મુફ્તિ પરિવારને સત્તામાંથી દૂર રાખવા પડશે. આ પરિવારોએ રાજ્યની ત્રણ ત્રણ પેઢીનું જીવન બરબાદ કર્યું છે. આવા લોકોની વિદાય બાદ જ રાજ્યનું ઉજ્જવળ ભાવિ સંભવ છે. વડાપ્રધાને જણાવ્યું કે આ લોકો મને ગમે તેટલી ગાળો ભાંડશે. પરંતુ રાષ્ટ્રના ભાગલા નહીં કરી શકે. મોદીએ કાશ્મીરી પંડિતોનો ઉલ્લેખ કરીને તેમના પુર્નવસનનો વિશ્વાસ અપાવ્યો હતો.