લોકસભા ચૂંટણી 2019 દરમિયાન રાજકીય દળો અને નેતાઓ દ્વારા આચાર સંહિતાના ઉલ્લંઘનના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરનો કિસ્સો મહારાષ્ટ્રનો છે જ્યાં શિવસેનાના સંજય રાઉતે આદર્શ આચાર સંહિતા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભાજપની સહયોગી પાર્ટી શિવેસેનાના નેતા સંજય રાઉતે ચૂંટણી દરમિયાન આચાર સંહિતા વિશે કહ્યું કે તેમના માટે આચાર સંહિતાનો કોઈ અર્થ નથી. તેઓ માત્ર પોતાના મનની કરે છે.
રવિવારે એક સભા દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતે ચૂંટણી દરમિયાન આચાર સંહિતા વિશે કહ્યું કે ‘આપણે એવા લોકો છીએ કે કાયદાની ઐસી તૈસી. આચાર સંહિતા પણ આપણે જોઇ લઇશું. જે વાત આપણા મનમાં છે આપણે તે જ કરીએ છીએ.
લાંબા વિવાદ બાદ ભાજપ અને શિવસેનાએ સાથે મળીને લોકસભાની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં 48 લોકસભા બેઠકોમાં ભાજપ 25 બેઠકો પર છે, જ્યારે શિવસેના 23 બેઠકો પર ચૂંટણી લડશે. સાથે 288 સદસ્યીય રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં પોતાના સહયોગી દળોને તેમની વ્યાજબી ભાગીદારી આપીને એકસરખી બેઠકો પર ચૂંટણી લડવામાં આવશે.

