ખરડો પસાર કરાવીને ભાજપે રાજનીતિની ટ્રિપલ સ્ટ્રેટેજીમાં માસ્ટરસ્ટ્રોક ફટકાર્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

અમદાવાદ: 2019ની ચૂંટણી પહેલાં કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું, ‘મોદીનો મુકાબલો કરી શકે એવો દેશમાં બીજો કોઈ નેતા નથી’. ઓમર અબ્દુલ્લાએ હતાશામાં કહ્યું હોય કે પછી વ્યંગમાં કહ્યું હોય, પણ તેમાં રહેલું સત્ય મંગળવારે સાંજે સાત વાગ્યે વધુ એકવાર છતું થઈ ગયું. NDA.01થી બનાવેલું લક્ષ્ય આખરે NDA.02માં પાર પાડતાં ટ્રિપલ તલાક નિષેધાત્મક ખરડો સંસદના બંને સદનમાં પસાર કરાવવામાં સફળતા મળી છે. દેશભરની 90 લાખ મુસ્લિમ મહિલાઓને અસર કરતો આ ખરડો ઐતિહાસિક છે એ જ રીતે ખરડો લાવવા પાછળની મોદીની-ભાજપની રાજકીય ગણતરીઓ અને એ પસાર કરાવવા માટેની સ્ટ્રેટેજીને પણ એટલાં જ ઐતિહાસિક ગણવા પડશે.

સ્ટ્રેટેજી નં. 1: ભાવિ રણનીતિનું ઘડતર આજથી જ

દેશભરમાં છેલ્લી બે ચૂંટણીથી દિગ્વિજયી સાબિત થવા છતાં ભાજપનો મુખ્ય જનાધાર હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના કારણે ઘડાતો રહ્યો છે અને આ બંને મુદ્દાઓ એવા છે જેની પહોંચ મર્યાદિત છે અથવા તો ગમે ત્યારે ફસકાઈ શકે એવી કમજોર છે. હિન્દુત્વના આધારે ઘડાયેલી વોટબેન્ક તીવ્ર જ્ઞાતિવાદી સમીકરણો વડે તોડી શકાય છે એવું 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સહિત અનેક વખત સાબિત થઈ ચૂક્યું છે. એ જ રીતે મોંઘવારી, બેરોજગારી કે પ્રાથમિક સુવિધાઓના મુદ્દે રાષ્ટ્રવાદના પવનને પણ મોળો પાડી શકાય છે. બીજો કોઈ નેતા હોય તો 2014 અને 2019ના ભવ્ય વિજયથી પોરસાઈને ફાળકો બને. પરંતુ મોદી ખરાં અર્થમાં દીર્ઘદૃષ્ટિ ધરાવતા નેતા છે એ તેમના કટ્ટર વિરોધીઓએ પણ સ્વિકારવું રહ્યું. તેમણે અત્યારથી જ આ ભયસ્થાનોને પારખીને તેનું મારણ તૈયાર કરવા માંડ્યું છે, અને એ વ્યુહમાં પહેલું પગથિયું એટલે ટ્રિપલ તલાક નિષેધાત્મક ખરડો.

દેશભરની કુલ 90 લાખ મુસ્લિમ મહિલાઓને આ ખરડો સીધી કે આડકતરી રીતે અસર કરે છે. ટ્રિપલ તલાકને ગેરકાયદે કરવાથી મુસ્લિમ પરિવારોમાં જ ભાજપ પ્રત્યે હકારાત્મક હવા ઊભી કરવાનો ઈરાદો હોય તો એ સાવ ખોટો સાબિત નહિ થાય. 2019માં ઉત્તરપ્રદેશમાં અમરોહા, મુરાદાબાદ જેવી બેઠકો પર મુસ્લિમ મહિલાઓએ ભાજપના ઉમેદવારોને મત આપ્યો હતો, એટલું જ નહિ, ન્યૂઝ ચેનલોના કેમેરા સમક્ષ છડેચોક તેનો સ્વિકાર પણ કર્યો હતો. ભાજપ માટે, કદાચ ટૂંકા ગાળાનો, પણ આ બહુ મોટો હકારાત્મક સંકેત બની રહેશે. આ રીતે મોદી હિન્દુવાદી વિચારધારાની સમાંતરે ભાજપના સ્પષ્ટ વિરોધી એવા મુસ્લિમ સમુદાયમાં પણ વોટબેન્ક ઊભી કરી શકે છે. વળી, મુલ્લા-મૌલવીઓના વર્ચસ્વને તોડીને ભારતીય સંહિતાને સર્વોપરિ સાબિત કરવા માટે હિન્દુવાદી, રાષ્ટ્રવાદી વોટબેન્ક તો મોદી પર સમરકંદ-બુખારા ઓવારી જાય તે સહજ છે. સરવાળે એક જ કાંકરે બે પક્ષી, ના પક્ષી શેનાં, બે ગરુડ પાડી દેવાનું પરાક્રમ મોદીના આ ખરડાએ કર્યું છે.

સ્ટ્રેટેજી નં. 2: રોબર્ટ, કોંગ્રેસ કો લિક્વિડ ઓક્સિજન મેં ડાલ દો

બેહદ વિશિષ્ટ ડાયલોગ ડિલિવરી માટે જાણીતા વિલન અજીતનો એક સંવાદ બહુ લોકપ્રિય છે, ‘રોબર્ટ, ઈસ પિલ્લે કો લિક્વિડ ઓક્સિજન મેં ડાલ દો. લિક્વિડ ઉસે જીને નહિ દેગા ઔર ઓક્સિજન ઉસે મરને નહિ દેગા!!’ રાજનીતિમાં મોદીએ આ આબાદ સ્ટ્રેટેજી સાચી સાબિત કરી છે. લગાતાર ધોબીપછાડ પછી કોંગ્રેસ હજુ પણ નક્કી નથી કરી શકતી કે મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ તેણે જારી રાખવી કે નહિ? બહુમતિ હિન્દુઓનો કોંગ્રેસવિરોધી આક્રોશ એટલો ઉફાન પર છે કે ભારે દબાણમાં આવી ગયેલી કોંગ્રેસ પોતાની કોર વોટબેન્કની વકીલાત પણ મક્કમતાથી કરતાં ડરે છે. ટ્રિપલ તલાક મુદ્દે કોંગ્રેસ છેલ્લાં પાંચ વર્ષથી ઢચુંપચું વલણ દાખવે છે. સંસદના બંને ગૃહોમાં કોંગ્રેસના મુસ્લિમ સાંસદે દલીલો કરી, પરંતુ રાહુલ-સોનિયા પોતે તેનાંથી અળગા રહ્યાં. કોંગ્રેસને આવી અવઢવમાં મૂકવી એ જ ભાજપની સ્ટ્રેટેજીની સૌથી મોટી જીત છે. બહુમતિ હિન્દુઓના મત કોંગ્રેસને મળવાના નથી અને હવે લઘુમતિ સમુદાયમાં પણ પોતાના હિતો જાળવવામાં સતત નિષ્ફળ જતી કોંગ્રેસ પ્રત્યે અભાવ ઊભો થશે.

મોદીજી ફિલ્મોના શોખીન છે અને વાચનના રસિયા પણ છે. એટલે એમની સ્ટ્રેટેજી નં. 3 સમજવા માટે આપણે બે ઉદાહરણ લેવા પડશે. પહેલું ઉદાહરણ ફિલ્મી છે. રામગોપાલ વર્માની યાદગાર ફિલ્મ ‘સરકાર’ના બેકગ્રાઉન્ડમાં ચાણક્યનીતિનો એક મંત્ર સતત પડઘાયા કરે છે, ‘સામ દામ દંડ ભેદ…’ બીજું ઉદાહરણ ક્રાઈમ થ્રિલરના બેતાજ બાદશાહ જેમ્સ હેડલી ચેઈઝનું છે, જેમની એક નોવેલનું શીર્ષક છેઃ There is always a price tag (દરેકની એક કિંમત હોય છે). આજે જે સ્વયં સરકાર છે એવા મોદીજીએ સરકાર ફિલ્મ જોઈ છે કે નહિ, જેમ્સ હેડલી ચેઈઝની નોવેલ વાંચી છે કે નહિ એ તો આપણને ખબર નથી પણ આ બંને બાબતો તેમણે આત્મસાત તો કરી જ છે.

અન્યથા આવું કદી બને જ નહિ કે મુસ્લિમ વોટબેન્ક પર એકાધિકાર જમાવવા સદાય તત્પર સમાજવાદી પાર્ટી ટ્રિપલ તલાકના મુદ્દે સંસદની બહાર સદંતર ચૂપ રહે. અન્યથા એવું કદી બને જ નહિ કે બિહારના મુસ્લિમોમાં પેસારો કરવા મથતો જનતાદળ (યુનાઈટેડ) મક્કમતાથી વિરોધ કરવાને બદલે વોક આઉટ કરીને આડકતરી રીતે બિલ પાસ થવામાં સહાયતા કરી દે. અન્યથા એવું કદી બને જ નહિ કે હજુ હમણાં સુધી બિહારના મુસ્લિમો પર પ્રચંડ વર્ચસ્વ ધરાવનાર રાજદ વિરોધનો ઉંહકારો સુદ્ધાં ન કરે. આ દરેક બાબતો બની તેને પણ રાજનીતિની પટાબાજીમાં ઐતિહાસિક લેખાવી જોઈએ. આપણે એક પછી એક પક્ષની મજબૂરી, નબળાઈનો અહેવાલ લઈએ.

જનતાદળ (યુનાઈટેડ): એક સમયે મોદીના કારણે એનડીએ છોડનાર આ પક્ષ આજે મોદી સામે ચૂં-ચા કરતાં ય ફફડે છે. રાજદના વળતા પાણીમાં બિહારના મુસ્લિમ સમુદાય પર પ્રભાવ ઊભો કરવાની નીતિશકુમારની નજર કોઈથી અજાણ નથી. ગૌહત્યા, મોબ લિંચિંગ મુદ્દે મુસ્લિમો રાજી રહે એવા નિવેદનો કરતાં રહેતાં નીતિશકુમાર ટ્રિપલ તલાકના મુદ્દે પાણીમાં બેસી ગયા. સંસદમાં જદયુના સાંસદોએ આગઝરતી ગોલંદાજી કરવી જોઈએ. સંસદના બંને ગૃહોમાં જદયુના સાંસદોએ એ કર્યું પણ ખરું, પરંતુ દાવ દેવાનો આવે ત્યારે શેરીના છોકરાં રમત પડતી મૂકીને ભાગી જાય એવી અંચઈ કરી અને વોકઆઉટ કરી ગયા. વોક આઉટ કરવાથી તેઓ પોતાની વોટબેન્કની નજરમાં ગુનેગાર પણ નથી ઠરતાં અને છતાં બિલ પાસ કરાવવામાં આડકતરી રીતે મદદ કરીને બહુમતિ સમુદાયની સહાનુભૂતિ પણ મેળવી શકે છે.

બીજુ જનતાદળઃ ઓરિસ્સામાં એકધારા શાસનનો રેકોર્ડ સર્જી ચૂકેલા નવિન પટનાયકને 2019માં ડોશી ભલે મરી નહિ, પણ જમ ઘર ભાળી ગયાનો અહેસાસ તો થઈ જ ગયો છે. રાજ્યમાં તેમની સ્પર્ધા હવે કોંગ્રેસ નહિ, ભાજપ સાથે છે. ઓરિસ્સામાં મુસ્લિમોની જનસંખ્યા પણ ખાસ પ્રભાવક નથી. એ સંજોગોમાં રાજ્યમાં બહુમતિ સમુદાયને ભાજપ ભણી ઢળતો રોકવો હોય તો ખરડાની આડકતરી તરફેણ કરવામાં જ સાર છે એવું સમજીને બીજુ જનતાદળના સાંસદોએ પણ રાજ્યસભામાં વોકઆઉટ કરી દીધો.

TRS: તેલંગણાના આ શાસક પક્ષની હાલત પ્રમાણમાં વધુ કફોડી છે. રાજ્યમાં મુસ્લિમોની વસ્તી 12.7% જેટલી છે. અત્યાર સુધી મુસ્લિમો ટીડીપી અને કોંગ્રેસ વચ્ચે વહેંચાયેલા રહેતા હતા. હવે ટીઆરએસ પણ તેમાં ભાગ પડાવવા ઈચ્છે છે. સમાંતરે ટીઆરએસ કેન્દ્ર સરકાર સાથે વાંકું પાડવાનું ય ટાળવા માંગે છે. આગામી 20 વર્ષની બ્લુપ્રિન્ટ સાથે રાજ્યમાં લાગુ કરેલી 28000 કરોડ રૂપિયાની યોજનાઓ માટે કેન્દ્ર સરકાર પાસેથી તગડાં પેકેજની ટીઆરએસને અપેક્ષા છે. આથી જ ટીઆરએસના સાંસદોએ પણ દેખાડા પૂરતો ખરડાનો વિરોધ કર્યો અને વોક આઉટ કરીને સરકારને મદદ પણ કરી દીધી.

સરવાળે, કોંગ્રેસ ઉપરાંત સપા, બસપા, ટીએમસી સૌ કોઈ સ્તબ્ધ થઈને જોઈ રહ્યા છે અને ટ્રિપલ તલાક નિષેધાત્મક ખરડો હવે કાનૂન બની ચૂક્યો છે. આગામી દિવસોમાં રાજકીય પક્ષોએ મોદીની વ્યુહબાજીનો જવાબ ઝડપભેર શોધવો પડશે. અન્યથા 2014માં કોંગ્રેસમુક્ત ભારતનું સૂત્ર 2024 આવતાં સુધીમાં વિપક્ષમુક્ત ભારત બની શકે છે.