હિમાચલમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ, 8 લોકોના મોત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઉત્તર ભારતના ઘણાં વિસ્તારોમાં વરસાદના કારણે સામાન્ય જનજીવન પર મોટી અસર પડી છે. વરસાદના કારણે હિમાચલ પ્રદેશના જુદાં-જુદાં ભાગોમાં 8 લોકોના મોત થયા છે. કેટલાય જિલ્લામાં પુરના કારણે ગામો સંપર્ક વિહોણા થયા છે. લેન્ડ સ્લાઈડ્સ અને ફ્લેશ ફ્લડના કારણે 323 માર્ગો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 5 પર વાહન વ્યવહાર બંધ થયો છે. હિમાચલ પ્રદેશ સિવાય ઉત્તરાખંડ અને રાજસ્થાનના ઘણાં ભાગોમાં પુરની સ્થિતીના કારણે જાહેર સંપત્તીને ઘણું નુંકસાન પહોંચ્યું છે.

સત્તાવાર જાણકારી અનુસાર, વરસાદને કારણે સર્જાયેલી દુર્ઘટનાઓને કારણે હિમાચલ પ્રદેશમાં આઠ લોકોના મોત થયાં છે. રવિવારે કિન્નોર જિલ્લાના રિબ્બા વિસ્તારમાં વરસાદના કારણે થયેલા ભૂસ્ખલન બાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો. આ સિવાય પ્રદેશના અલગ-અલગ ભાગોમાં ભુસ્ખલનની ઘટનાઓના કારણે 323 માર્ગો પર વાહનવ્યવહાર અવરોધિત છે. કાંગડા જિલ્લામાં સૌથી વધારે 118 mm વરસાદ થયો. આ સિવાય ધર્મશાળામાં 115 mm, ડલહૌજી અને ચંબામાં 73mm વરસાદ નોંધાયો છે.

વરસાદના કારણે હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં બસ સ્ટોપ પાસેનો એક માર્ગ પાણીમાં ધોવાય ગયો જેની વાહન વ્યવહાર પર ખાસ્સી અસર પડી, સાથે જ સમગ્ર વિસ્તારના જોડતા માર્ગો પર પહાડી પથ્થર પડવા અને લેન્ડ સ્લાઈડને કારણે માર્ગ ક્ષતિગ્રસ્ત થયો છે. વાહન વ્યવહાર સામાન્ય કરવા તેના પર સ્થાનિક વહીવટીતંત્ર દ્વાર કામ કરવામાં આવી રહ્યું છે.

હિમાચલ પ્રદેશ સિવાય ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદના કારણે તમામ લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે. પ્રદેશના ઉત્તરકાશી જિલ્લામાં તમામ ઘરોને વરસાદના કારણે નુંકસાન થયું છે. વધતા વરસાદની સ્થિતીને જોતા વહિવટી તંત્ર દ્વારા ઉત્તરકાશીના લોકોને રેસ્ક્યૂ કરવા માટે અહીં SDRF, NDRF, ITBP, રેડ ક્રોસની ટીમોને મોકલવામાં આવી છે, જેને આ વિસ્તારમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવા માટે કહેવામાં આવ્યું છે.