સીઝફાયર ઉલ્લંઘનમાં ભારતીય જવાન શહીદ, જવાબી કાર્યવાહીમાં આર્મીએ 2 પાકિસ્તાની જવાનને ઠાર કર્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર સરહદ પર મંગળવારે પાકિસ્તાની સેનાએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ ગોળીબારમાં ભારતીય જવાન નાઈક કૃષ્ણલાલ શહીદ થયા છે. એક રિપોર્ટ પ્રમાણે, રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ પાસે પાકિસ્તાની સેના તરફથી ગોળીબાર કરાયો હતો. સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે જવાન ને આર્મીએ ઠાર કર્યા હતા.

પાંચ મહિનામાં 1170 વખત સીઝફાયરનું ઉલ્લંઘન

ભારતીય સુરક્ષાબળોએ 2019માં (જાન્યુઆરીથી 6 જૂન સુધી) અંદાજે પાંચ મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં 103 આતંકીઓને ઠાર માર્યા હતા. આ દરમિયાન પાકિસ્તાન દ્વારા 1,170 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, 2018માં ભારતીય સુરક્ષાબળો દ્વારા માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા 254 હતી. આ દરમિયાન પાકિસ્તાને 1,629 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.

2016-2017માં આતંકીઓને જડબાતોડ જવાબ

એક રિપોર્ટ પ્રમાણે ,2017માં ઓપરેશન ઓલઆઉટ શરુ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 329 આતંકી પ્રવૃતિઓને નિષ્ફળ કરાઈ હતી તેમજ 200 આતંકીઓ ઠાર માર્યા હતા. આ દરમિયાન 74 જવાન અને 36 નાગરિકોએ જીવ ગુમાવ્યાં હતાં. 2016માં હિઝબુલ કમાંડર બુરહાન વાની સહિત 150 આતંકીઓને આર્મીએ ઠાર માર્યા હતા.